Diwali 2026: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કામરેજમાં કુંભાર પરિવારો પાસેથી ખરીદ્યા માટીના દીવડા

Diwali 2026: દિવાળીના પાવન પર્વે સ્થાનિક કારીગરો અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના કામરેજ ખાતે કુંભાર પરિવારો પાસેથી હાથબનાવટના માટીના દીવડાઓની ખરીદી કરી હતી.
Kunjan Shukal
Kunjan Shukal
Health Minister praful pansheriya promote vocal for localHealth Minister praful pansheriya promote vocal for local

Health Minister praful pansheriya promote vocal for local

Diwali 2026: દિવાળીના પાવન પર્વે સ્થાનિક કારીગરો અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના કામરેજ ખાતે કુંભાર પરિવારો પાસેથી હાથબનાવટના માટીના દીવડાઓની ખરીદી કરી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મંત્રીએ સ્થાનિક બજારમાં પહોંચીને ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’નો સંદેશ આપ્યો હતો.

સ્થાનિક ઉત્પાદનોની ખરીદીથી અનેક પરિવારોની આવકમાં વધારો

આ પ્રસંગે મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને સ્થાનિક કારીગરો પાસેથી સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ‘વોકલ ફોર લોકલ’નો મંત્ર સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને પરંપરાગત વ્યવસાયો સાથે જોડાયેલા પરિવારોની આર્થિક સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. સ્થાનિક ઉત્પાદનોની ખરીદીથી અનેક પરિવારોની આવકમાં વધારો થાય છે અને તેમને આત્મનિર્ભર બનવાની તક મળે છે.

દીવડાઓ આપણી પરંપરાગત હસ્તકલાનું સુંદર ઉદાહરણ

મંત્રીએ જણાવ્યું હતું કે, કુંભાર પરિવારો દ્વારા હાથેથી તૈયાર કરવામાં આવતા માટીના દીવડાઓ આપણી પરંપરાગત હસ્તકલાનું સુંદર ઉદાહરણ છે. આવા ઉત્પાદનો ખરીદવાથી કારીગરોને આર્થિક સહયોગ મળવાની સાથે આપણી સાંસ્કૃતિક ઓળખ અને પરંપરા પણ જળવાઈ રહે છે. તેમણે ખાસ કરીને બાળકોને સાથે રાખીને સ્થાનિક કારીગરો પાસેથી દીવડા અને અન્ય પરંપરાગત વસ્તુઓ ખરીદવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. તેનાથી બાળકોને સ્થાનિક હસ્તકલા, કારીગરોની મહેનત અને સ્વદેશી પરંપરાનું મહત્વ સમજાશે.

સ્થાનિક અર્થતંત્ર મજબૂત બને

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક ખરીદી માત્ર એક અભિયાન નથી, પરંતુ દેશના આર્થિક વિકાસમાં નાગરિકોની ભાગીદારીનો સંકલ્પ છે. સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને ગ્રામ્ય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી રોજગારીની નવી તકો ઊભી થાય છે અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત બને છે. દિવાળીના પર્વે દરેક ખરીદીમાં સ્થાનિક ઉત્પાદનોને પ્રાથમિકતા આપી કારીગરોની ખુશહાલીમાં સહભાગી બનવા તેમણે નાગરિકોને અપીલ કરી હતી.

આ પણ વાંચો: Diwali 2026: કચ્છની સરહદે BSF જવાનો સાથે સાંસદ વિનોદ ચાવડાએ ઉજવી દિવાળી, 500 કિલો મીઠાઈનું કર્યું વિતરણ