Surat : સાયણ સુગરમાં આજે થશે સત્તાની વરણી? મેન્ડેટ મુદ્દે ખેડૂતોમાં રોષ



Surat sayan sugar mil
Surat : સાયણ સુગરમાં આજે થશે સત્તાની વરણી? મેન્ડેટ મુદ્દે ખેડૂતોમાં રોષ



Surat sayan sugar mil
Surat સાયણ સુગરની ચૂંટણીનું પરિણામ જાહેર થયાને 23 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ચેરમેન, વાઇસ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી ન થતાં સભાસદો અને ડિરેક્ટરોમાં નારાજગી જોવા મળી રહી છે. આજે આ હોદ્દાઓની નિમણૂક થવાની હોવાથી સૌની નજર સાયણ સુગર પર ટકેલી છે.
સાયણ સુગરમાં આજે શક્તિ પરીક્ષણ
ચૂંટણી બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં થઈ રહેલા વિલંબ વચ્ચે હવે મેન્ડેટ પ્રથાને લઈને ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસ અગાઉ મોટી સંખ્યામાં ખેડૂતો એકસૂરે એકઠા થયા હતા અને ભાજપ દ્વારા આપવામાં આવતા મેન્ડેટનો વિરોધ કર્યો હતો. ખેડૂતોની મુખ્ય માંગ છે કે સુગર મિલના ચેરમેનની પસંદગી પક્ષના મેન્ડેટથી નહીં પરંતુ ખેડૂતો દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા થવી જોઈએ.
સહકારી સંસ્થાઓમાં રાજકીય પક્ષોની મેન્ડેટ પ્રથાના કારણે સંસ્થાઓને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. આજે પણ મોટી સંખ્યામાં ખેડૂતો સાયણ સુગર ખાતે એકઠા થવાની શક્યતા છે. મેન્ડેટ લઈને આવનાર વ્યક્તિને સુગરમાં પ્રવેશવા નહીં દેવાની તેમજ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેના પગલે સાયણ સુગર ખાતે પોલીસ અને વહીવટી તંત્ર માટે પણ સ્થિતિ પડકારજનક બની શકે છે.
23 દિવસ બાદ સાયણ સુગરમાં ચેરમેન-વાઇસ ચેરમેનની વરણી થશે
સાયણ સુગરની તાજેતરની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન કેતન પટેલની પરિવર્તન પેનલે બાજી મારી હતી. કુલ 18 બેઠકોમાંથી પરિવર્તન પેનલના ઉમેદવારોએ 9 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે વર્તમાન પ્રમુખ રાકેશ પટેલની સહકાર પેનલને માત્ર 5 બેઠકો મળી હતી. બાકીની 4 બેઠકો પર અપક્ષ ઉમેદવારો વિજયી બન્યા હતા. આ રાજકીય ગણિતને જોતા અપક્ષ ડિરેક્ટરો પરિવર્તન પેનલને ટેકો આપે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જો અપક્ષોનો ટેકો પરિવર્તન પેનલને મળે તો સાયણ સુગરમાં સત્તાનું ગણિત વધુ સ્પષ્ટ બની શકે છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે આજે ચેરમેન તરીકે કોની પસંદગી થશે? શું ખેડૂતો દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટરો પોતાની રીતે નિર્ણય કરશે કે પછી પક્ષના મેન્ડેટ મુજબ સત્તાની વરણી થશે? મેન્ડેટ પ્રથાને લઈને ખેડૂતોના વિરોધથી સુરત જિલ્લાનું સહકારી રાજકારણ ગરમાયું છે. હવે આજે થનારી ચેરમેન, વાઇસ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પર સૌની નજર છે. સાયણ સુગરમાં ખેડૂતોની માંગ જીતશે કે પક્ષનું મેન્ડેટ, તેનો નિર્ણય આજે થઈ શકે છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



