Get News Alerts

Never miss breaking news updates.

Surat ના કતારગામમાં કરુણ ઘટના, ગેસ ગીઝરની ગૂંગળામણથી 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત

Surat ના કતારગામ વિસ્તારમાં આવેલા ગુણાતીત નગરમાં ગેસ ગીઝરના કારણે ગૂંગળામણથી 15 વર્ષીય વિદ્યાર્થિનીના મોતની કરુણ ઘટના સામે આવી છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 20 Sep 2026 12:53 PM IST
Surat ના કતારગામમાં કરુણ ઘટના, ગેસ ગીઝરની ગૂંગળામણથી 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોતSurat ના કતારગામમાં કરુણ ઘટના, ગેસ ગીઝરની ગૂંગળામણથી 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત

Surat Student Death

Surat : ધોરણ-11માં અભ્યાસ કરતી પ્રિયમ વરિયા ગણપતિની આરતીમાં જવા માટે તૈયાર થઈ રહી હતી અને ન્હાવા માટે બાથરૂમમાં ગઈ હતી. જોકે, થોડા સમય બાદ બનેલી ઘટનાએ પરિવારને આઘાતમાં મૂકી દીધો હતો.

મળતી માહિતી મુજબ, પ્રિયમ બાથરૂમમાં ન્હાવા ગઈ હતી. બાથરૂમમાં યોગ્ય વેન્ટિલેશન કે એક્ઝોસ્ટ ફેનની સુવિધા ન હોવાના કારણે ગેસ ગીઝરમાંથી નીકળેલો ધુમાડો અને ગેસ બહાર નીકળી શક્યો નહોતો. બંધ જગ્યામાં ગેસનું પ્રમાણ વધતા ગૂંગળામણની સ્થિતિ સર્જાઈ હતી.

વેન્ટિલેટર નહી હોવાના કારણે બની ઘટના!

પરિવારજનોના જણાવ્યા મુજબ, પ્રિયમ લાંબા સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવતા પરિવારને શંકા ગઈ હતી. પરિવારજનોએ બાથરૂમનો દરવાજો ખખડાવીને તેને અવાજ આપ્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. પરિસ્થિતિ ગંભીર જણાતા પરિવારજનોએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.

આશરે દોઢ કલાક બાદ બાથરૂમનો દરવાજો તોડવામાં આવ્યો હતો. અંદર પ્રિયમ બેભાન હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક સારવાર માટે કિરણ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી.

ડોકટરે મૃત જાહેર કરી

પ્રાથમિક વિગતો અનુસાર, બંધ બાથરૂમમાં ગેસ ગીઝરના ઉપયોગને કારણે કાર્બન મોનોક્સાઇડ સહિતના ગેસના કારણે ગૂંગળામણ સર્જાઈ હોવાની શક્યતા છે. જોકે, મોતનું ચોક્કસ કારણ તબીબી તપાસ અને સંબંધિત તપાસ બાદ સ્પષ્ટ થશે. આ કરુણ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગણપતિની આરતીમાં જવાની તૈયારી કરી રહેલી 15 વર્ષની દીકરીનું અચાનક મોત થતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

આ ઘટના ફરી એકવાર ગેસ ગીઝરનો ઉપયોગ કરતી વખતે બાથરૂમમાં યોગ્ય વેન્ટિલેશન રાખવાના મહત્વ તરફ ધ્યાન દોરે છે. બંધ બાથરૂમમાં ગેસ ગીઝર ચલાવવાથી ગેસ એકઠો થવાની અને ગૂંગળામણ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાવાની શક્યતા રહે છે. તેથી ગેસ ગીઝર ધરાવતા ઘરોમાં યોગ્ય હવાની અવરજવર, વેન્ટિલેશન અને સલામતીના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે.

આ પણ વાંચો : Dahod માં નેત્રમ CCTV કંટ્રોલ સેન્ટરમાં આગ, બે AC બળીને ખાખ, ઘટનામાં કોઈ જાનહાની નહી

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે