Gujarat Jailer Transfer : ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે લાજપોર સેન્ટ્રલ જેલના વધુ બે જેલરની બદલી

Gujarat Jailer Transfer : સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં ભ્રષ્ટાચાર, કેદીઓને VIP સુવિધાઓ આપવાના અને જેલમાં પ્રતિબંધિત સામગ્રી મળી આવવાના મામલે કાર્યવાહીનો દોર યથાવત્ રહ્યો છે.
Vivek Shah
Vivek Shah
Gujarat Jailer Transfer વધુ બે જેલરની બદલી ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યાGujarat Jailer Transfer વધુ બે જેલરની બદલી ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા

Gujarat Jailer Transfer વધુ બે જેલરની બદલી ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા

Gujarat Jailer Transfer : સુરત જેલમાં કેદીઓને વિશેષ સુવિધાઓ આપવાના, બેરેકમાંથી મોબાઈલ ફોન, ચાર્જર અને બેટરી સહિત પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાના તેમજ ઉઘરાણા અને લાંચના ગંભીર આક્ષેપો વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, જેલર હર્ષદ કે. સોલંકીની કચ્છની ગળપાદર જિલ્લા જેલ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે જેલર નિલેશ એલ. છાપીયાની રાજપીપળા જિલ્લા જેલ ખાતે બદલી કરવામાં આવી છે. લાજપોર સેન્ટ્રલ જેલમાં ચાલી રહેલી તપાસ અને અગાઉની કાર્યવાહી બાદ આ બંને બદલીઓ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

કથિત ભ્રષ્ટાચાર મામલે કાર્યવાહી

આશરે બે મહિના અગાઉ જેલના સંચાલન અને કેદીઓને આપવામાં આવતી સુવિધાઓ અંગે ગંભીર ફરિયાદો સામે આવી હતી. ત્યારબાદ DGPના આદેશથી જેલમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેદીઓની બેરેકમાંથી મોબાઈલ ફોન, ચાર્જર, બેટરી સહિતની પ્રતિબંધિત સામગ્રી મળી આવવાના મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે અગાઉ જેલના 8 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ઉપરાંત, એક જેલરની બદલી કરવામાં આવી હતી અને ચાર કેદીઓને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેલમાં પાનમસાલા અને ગુટખાના વપરાશ, કેદીઓને VIP સુવિધાઓ આપવી, ઉઘરાણા કરવાં અને લાંચ લેવાના આક્ષેપો પણ સામે આવ્યા હતા. આ આક્ષેપોને પગલે જેલ વિભાગ દ્વારા તપાસ અને વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉપરી અધિકારીઓની ભૂમિકા સામે સવાલો

કર્મચારીઓ અને જેલરો સામે કાર્યવાહી થઈ રહી છે, ત્યારે હવે જેલના ઉપરી અધિકારીઓની ભૂમિકા અને જવાબદારી અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. જેલમાં પ્રતિબંધિત સામગ્રી કેવી રીતે પહોંચી, કેદીઓને વિશેષ સુવિધાઓ કોણે અને કેવી રીતે આપી તથા આ સમગ્ર મામલે દેખરેખ રાખવાની જવાબદારી ધરાવતા અધિકારીઓની ભૂમિકા શું હતી તેવા પ્રશ્નો ચર્ચામાં આવ્યા છે.

લાજપોર સેન્ટ્રલ જેલમાં અગાઉની કાર્યવાહી બાદ હવે વધુ બે જેલરની બદલી થતાં જેલ વિભાગમાં ચર્ચા તેજ બની છે. આ મામલે તપાસ આગળ વધતાં અન્ય જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે કે કેમ તે જોવાનું રહેશે.

આ પણ વાંચો : Surat Cyber Crime : સુરતમાં સાયબર ઠગાઈના ચાર બનાવમાં લાખોની છેતરપિંડી, ઇન્સ્ટાગ્રામથી APK ફાઇલ મોકલી ઠગાઈ કરી