Surat Operation Health : સુરતમાં 106 આઈસ્ક્રીમ પાર્લરોની તપાસ, 48 સ્થળોએ બોર્ડ ન લગાવ્યાનું સામે આવ્યું


Surat Operation Health સુરતમાં 106 આઈસ્ક્રીમ પાર્લરોની તપાસ
Surat Operation Health : સુરતમાં 106 આઈસ્ક્રીમ પાર્લરોની તપાસ, 48 સ્થળોએ બોર્ડ ન લગાવ્યાનું સામે આવ્યું


Surat Operation Health સુરતમાં 106 આઈસ્ક્રીમ પાર્લરોની તપાસ
Surat Operation Health : ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ગ્રાહકોને દૂધમાંથી બનતા આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાય તે માટે સંસ્થાઓમાં બોર્ડ લગાવવાની સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં બાકીની 48 સંસ્થાઓમાં પણ બોર્ડ લગાવવામાં આવે તે માટે તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. બીજી તરફ, ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન અને વેચાણના મુદ્દે સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય કિશોર કાનાણી મેદાને આવ્યા છે.
આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા 'ઓપરેશન હેલ્થ'ને આવકારતા કિશોર કાનાણીએ ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. શહેરના વિવિધ ઝોનમાં આવેલી આઈસ્ક્રીમ પાર્લરો તેમજ આઈસ્ક્રીમનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓ સહિત કુલ 106 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 48 સ્થળોએ હજુ સુધી જરૂરી બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યું છે.
આરોગ્ય વિભાગને ધારાસભ્યનો પત્ર
આ મુદ્દે તેમણે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવને પત્ર લખીને પાંચ મુખ્ય મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગતા સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે ગ્રાહકોને રિયલ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવવા રાજ્યવ્યાપી જાગૃતિ અભિયાન ચલાવવું જરૂરી છે. કિશોર કાનાણીએ એક જ પાર્લરમાં રિયલ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બંનેનું વેચાણ થતું હોય તો દુકાનનું નામ શું રાખવું તે અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. આ ઉપરાંત ફ્રોઝન ડેઝર્ટના વેચાણ અને તેના પર લગાવવામાં આવતા લેબલ અંગે ગ્રાહકોને સ્પષ્ટ માહિતી મળે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.
સુરતમાં 48 સ્થળોએ હજુ બોર્ડ લગાવ્યા નથી
લગ્નપ્રસંગો અને અન્ય સામાજિક કાર્યક્રમોમાં પીરસાતા ફ્રોઝન ડેઝર્ટ સામે કાર્યવાહી કેવી રીતે કરવામાં આવશે તેવો પણ તેમણે સવાલ કર્યો છે. ગ્રાહકોને વેચાતી પ્રોડક્ટની સાચી ઓળખ થાય અને તેઓ જાણકારીના આધારે ખરીદી કરી શકે તે માટે સ્પષ્ટ નિયમો અને જાગૃતિ જરૂરી હોવાનું તેમનું માનવું છે.
સુરતમાં મનપાની તપાસ અને ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને પગલે ફ્રોઝન ડેઝર્ટ તથા આઈસ્ક્રીમના ઉત્પાદન, વેચાણ અને લેબલિંગ અંગે ચર્ચા તેજ બની છે. હવે આરોગ્ય વિભાગ આ સવાલો અંગે શું સ્પષ્ટતા કરે છે અને આગામી દિવસોમાં તપાસનો વ્યાપ કેટલો વધે છે તેના પર નજર રહેશે.
આ પણ વાંચો : All India Police Badminton Cluster 2026-27 : અમદાવાદમાં 3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરનો રંગ જામ્યો, બીજા દિવસે ખેલાડીઓનો વિજયી દેખાવ




