Surat ના વોર્ડ-17માં કચરો ફેંકવાનું ષડયંત્ર? રિક્ષામાં ભરેલો હોટફિક્સિંગ કચરો ફેંકાય તે પહેલા ઝડપી પડાયો



Surat varacha road
Surat ના વોર્ડ-17માં કચરો ફેંકવાનું ષડયંત્ર? રિક્ષામાં ભરેલો હોટફિક્સિંગ કચરો ફેંકાય તે પહેલા ઝડપી પડાયો



Surat varacha road
Surat : રિક્ષામાંથી મોટા પ્રમાણમાં કચરો મળી આવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ, રિક્ષામાં હોટફિક્સ સહિતનો કચરો ભરેલો હતો અને તેને રહેણાંક વિસ્તાર નજીક ઠાલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.
દરમિયાન સ્થાનિક લોકોની સતર્કતા અને મ્યુનિસિપલ ટીમની કામગીરીથી રિક્ષા અટકાવવામાં આવી હતી. તપાસ દરમિયાન રિક્ષાચાલક પાસેથી માચીસ અને લાઇટર પણ મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના પગલે કચરો સળગાવવાનો પણ કોઈ પ્રયાસ હતો કે કેમ તે અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કચરો ઠાલવવાનું કોઈ કૌંભાડ!
આ સમગ્ર મામલે વરાછા વોર્ડ નંબર 17ના ભાજપ પ્રમુખે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં જાણીજોઈને કચરો ઠાલવી શાસક પક્ષને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે આ મામલે વિપક્ષ આમ આદમી પાર્ટી તરફ આંગળી ચીંધી ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.
વોર્ડ પ્રમુખના દાવા મુજબ, પૂછપરછ દરમિયાન રિક્ષાચાલકે વધુ ભાડું આપીને ખાસ આ વિસ્તારમાં કચરો નાખવા માટે મોકલવામાં આવ્યો હોવાની કબૂલાત કરી છે. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થઈ શકે છે. સમગ્ર મામલે રિક્ષાચાલકને કોણે કચરો નાખવા મોકલ્યો હતો અને પાછળ કોઈ મોટું ષડયંત્ર હતું કે નહીં તે તપાસનો વિષય બન્યો છે.
શ્રમજીવી લોકોને ભ્રમિત કરી ઉશ્કેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે!
ભાજપના વોર્ડ પ્રમુખે વધુમાં આરોપ લગાવ્યો કે મધ્યમ વર્ગ અને શ્રમજીવી લોકોને ભ્રમિત કરી ઉશ્કેરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. બીજી તરફ, શાસક પક્ષે સ્થાનિક વેપારીઓ અને કારખાનેદારોને ખાતરી આપી છે કે કોઈના એકમો કે સગડીઓને કારણ વગર સીલ કરવામાં આવશે નહીં.
હવે સમગ્ર મામલે મ્યુનિસિપલ તંત્ર અને જાગૃત નાગરિકો દ્વારા વધુ તપાસની માંગ કરવામાં આવી રહી છે. રિક્ષામાં રહેલા કચરાનો સ્ત્રોત, તેને મોકલનાર વ્યક્તિ અને માચીસ-લાઇટર રાખવા પાછળનો હેતુ શું હતો તે સહિતના મુદ્દાઓ તપાસ બાદ સ્પષ્ટ થશે. જો ગેરકાયદેસર રીતે કચરો ઠાલવવાનું અથવા સળગાવવાનું કાવતરું સાબિત થશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




