Surat થી રહસ્યમય રીતે ગુમ 4 બહેન કર્ણાટકથી હેમખેમ મળી આવી, પરિવારે રાહતનો શ્વાસ લઈ પોલીસનો માન્યો આભાર



Surat Missing sister
Surat થી રહસ્યમય રીતે ગુમ 4 બહેન કર્ણાટકથી હેમખેમ મળી આવી, પરિવારે રાહતનો શ્વાસ લઈ પોલીસનો માન્યો આભાર



Surat Missing sister
Surat : ચારેય બહેનો કોઈ ચોક્કસ આયોજન વગર ટ્રેનમાં બેસી સુરતથી નીકળી હતી અને મુસાફરી દરમિયાન છેક કર્ણાટક રાજ્ય સુધી પહોંચી ગઈ હતી. પોલીસે કાલીબુર્ગી રેલવે સ્ટેશન નજીકથી ચારેયને સુરક્ષિત રીતે પોતાની કસ્ટડીમાં લઈ પરિવારને રાહત આપી છે.
મળતી માહિતી મુજબ, સમગ્ર ઘટનાની શરૂઆત 16 વર્ષની કિશોરીને મોબાઈલ ફોનના મામલે પિતાએ ઠપકો આપ્યો ત્યારથી થઈ હતી. પિતાના ઠપકાથી અને માર પડવાના ડરથી કિશોરીએ ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો. તે એકલી ઘર છોડવાને બદલે પોતાની ત્રણ બહેનોને પણ સાથે લઈને નીકળી ગઈ હતી.
4 બહેનોને પોલીસે હેમખેમ શોધી કાઢી
ચારેય બહેનોએ ઘરેથી નીકળવા માટે તેમના ભાઈની તબિયત ખરાબ હોવાનું બહાનું બનાવ્યું હતું. ત્યારબાદ તેઓ પોતાની પાસે રહેલા ઉપાડના તથા બચતના પૈસા લઈને સુરતથી નીકળી ગયા હતા. સુરતથી ચારેય બહેનો ટ્રેન મારફતે અમદાવાદ પહોંચી હતી. અમદાવાદ પહોંચ્યા બાદ તેમણે આખો દિવસ કાંકરિયા વિસ્તારમાં ફરવામાં પસાર કર્યો હતો. સાંજ પડતા ફરી તેઓ ટ્રેનમાં બેસી ગયા હતા. જોકે, ક્યાં જવું અને ક્યાં પહોંચવું તેની કોઈ ચોક્કસ યોજના તેમની પાસે નહોતી.
ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક પછી એક સ્ટેશન પસાર થતા તેઓ ગુજરાતની બહાર નીકળી ગયા હતા અને અંતે કર્ણાટક રાજ્ય સુધી પહોંચી ગયા હતા. બીજી તરફ, ચારેય બહેનો ગુમ થતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
સુરતની પુણા પોલીસે શોધી બહેનોને
મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ પૂણા પોલીસ દ્વારા ચારેય બહેનોને શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તેમની મુસાફરી અને ટ્રેનના રૂટ અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ચારેય બહેનો કર્ણાટક તરફ પહોંચી હોવાની માહિતી મળી હતી.
આધારભૂત માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે કર્ણાટકના કાલીબુર્ગી રેલવે સ્ટેશન પર કાર્યવાહી હાથ ધરી હતી. ચારેય બહેનો જે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી તેને ટ્રેસ કરીને પોલીસે ચાલુ ટ્રેનમાંથી જ તેમને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધી હતી. ત્રણ સગીરા સહિત ચારેય બહેનો હેમખેમ મળી આવતા પરિવારજનોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. પોલીસે તમામને સુરક્ષિત રાખીને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરતથી કર્ણાટક પહોંચી હતી બહેનો
આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે કોઈ ચોક્કસ પ્લાન વગર ઘરેથી નીકળેલી ચાર બહેનો ટ્રેનની મુસાફરી દરમિયાન હજારો કિલોમીટર દૂર કર્ણાટક સુધી પહોંચી ગઈ હતી. સદનસીબે પોલીસે સમયસર તપાસ હાથ ધરી તેમને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી. આ ઘટના બાદ બાળકો અને કિશોરો સાથે પરિવારજનો દ્વારા સંવાદ જાળવવો અને કોઈપણ સમસ્યા અંગે ખુલ્લી વાતચીત કરવી કેટલી જરૂરી છે તે બાબત પણ સામે આવી છે.

Vivek Shah
વિવેક શાહ મિડીયા ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે, TV9 Gujaratiમાં તેમણે રીપોર્ટર અને પ્રોડયુસર તરીકે પણ 7 વર્ષ કરતા વધુ સમય કામ કર્યુ છે, સાથે સાથે ABP Asmitaમાં 2 વર્ષ જેટલો સમય Associate Producer તરીકે કામ કર્યુ છે અને Sandesh NEWS Digitalમાં છેલ્લા 2 વર્ષ Senior Sub Editor તરીકે કામ કર્યુ છે. ગુજરાત ફર્સ્ટમાં Assistant Ediotor તરીકે તેમણે 3 મહિના કામ કર્યુ અને હાલમાં તેઓ Growthnow NEWS માં Senior Assignment Editor તરીકે ડિજિટલ વિભાગમાં કામ કરી રહ્યાં છે.



