Get News Alerts

Never miss breaking news updates.

Surat : શેર ટ્રેડિંગમાં 5 ટકાથી વધુ નફાની લાલચ આપી રૂપિયા 13.10 લાખની છેતરપિંડી, કેરળથી મહિલા ઝડપાઈ

Surat : શેર ટ્રેડિંગમાં પાંચ ટકાથી વધુ નફો મેળવવાની લાલચ આપીને સુરતના ફરિયાદી સાથે રૂ.13.10 લાખની સાયબર છેતરપિંડી કરવાના કેસમાં સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે.
Kunjan ShuklaUpdated on: 12 Oct 2026 02:53 PM IST
Surat : શેર ટ્રેડિંગમાં 5 ટકાથી વધુ નફાની લાલચ આપી રૂપિયા 13.10 લાખની છેતરપિંડી, કેરળથી મહિલા ઝડપાઈSurat : શેર ટ્રેડિંગમાં 5 ટકાથી વધુ નફાની લાલચ આપી રૂપિયા 13.10 લાખની છેતરપિંડી, કેરળથી મહિલા ઝડપાઈ

Surat

Surat : શેર ટ્રેડિંગમાં પાંચ ટકાથી વધુ નફો મેળવવાની લાલચ આપીને સુરતના ફરિયાદી સાથે રૂ.13.10 લાખની સાયબર છેતરપિંડી કરવાના કેસમાં સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ મામલે કેરળના મલપ્પુરમથી 46 વર્ષીય મહિલા સલીના થડિયાંની ધરપકડ કરી છે. આ કેસમાં મહિલાનો પુત્ર પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે, જે હાલ ફરાર છે.

નકલી વેબસાઈટ અને બનાવટી દસ્તાવેજોથી વિશ્વાસ જીત્યો

પોલીસ તપાસ મુજબ, સાયબર ઠગોએ શેરબજારમાં રોકાણ કરવાથી પાંચ ટકાથી વધુ નફો મળશે તેવી લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. આ માટે નકલી વેબસાઈટ, ચેટિંગ ગ્રૂપ અને સેબીના નામે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદી પાસેથી અલગ-અલગ બેન્ક ખાતાઓમાં કુલ રૂ.13.10 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે, રોકાણ કરેલી રકમ પરત મેળવવા માટે ફરિયાદીએ પ્રયાસ કર્યો ત્યારે પૈસા પાછા મળ્યા નહોતા. ત્યારબાદ સમગ્ર છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો.

પાંચ ટકા કમિશન માટે બેન્ક ખાતું આપ્યું

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલા અને તેના પુત્રએ ફેડરલ બેન્કમાં જોઈન્ટ કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ બેન્ક ખાતું સાયબર ઠગોને ઉપયોગ માટે આપવામાં આવ્યું હતું. બદલામાં પાંચ ટકા કમિશન મેળવવાની લાલચ રાખવામાં આવી હતી. આ ખાતાનો ઉપયોગ સાયબર છેતરપિંડીથી મેળવેલી રકમની લેવડદેવડ માટે કરવામાં આવ્યો હોવાની પોલીસને આશંકા છે.

ખાતામાં રૂ.39.70 લાખથી વધુના વ્યવહારો

પોલીસની તપાસ દરમિયાન જાન્યુઆરીથી જુલાઈ 2026 દરમિયાન આરોપીના બેન્ક ખાતામાં રૂ.39.70 લાખથી વધુના નાણાકીય વ્યવહારો થયાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, ખાતા મારફતે રૂ.33.40 લાખની સાયબર છેતરપિંડીની રકમ આવી હોવાની માહિતી મળી છે. આ બેન્ક ખાતા સાથે સંબંધિત 12 ફરિયાદો અને ચાર FIRની વિગતો પણ સામે આવી છે. સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસ ફરાર પુત્રની શોધખોળ કરી રહી છે અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તથા છેતરપિંડીની રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી છે તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે.

આ પણ વાંચો : Gujarat Industrial Boost : ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ, 25 એકમોને સહાય મંજૂર, 8178 નવી નોકરીઓની તક યુવાનોને મળશે

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.