Surat News: કોસાડ આવાસમાં પિતાની કરપીણ હત્યા, સગી દીકરીએ જ કૂકરના ઢાંકણા અને છરીથી કર્યો હુમલો

Surat News: સુરત શહેરના કોસાડ આવાસ વિસ્તારમાં પિતાની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય ઘરકામ બાબતે થયેલી તકરાર લોહિયાળ ઘટનામાં પરિણમી હતી.
Kunjan Shukla
Surat NewsSurat News

Surat News

Surat News: સુરત શહેરના કોસાડ આવાસ વિસ્તારમાં પિતાની હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સામાન્ય ઘરકામ બાબતે થયેલી તકરાર લોહિયાળ ઘટનામાં પરિણમી હતી. મોબાઈલ ફોન ફેંકી દેવા જેવી બાબતે આવેશમાં આવેલી 22 વર્ષીય સગી દીકરીએ જ પોતાના પિતા પર જીવલેણ હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી. આ મામલે અમરોલી પોલીસે આરોપી દીકરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સામાન્ય બાબતે શરૂ થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

મળતી માહિતી મુજબ, સુરતના કોસાડ આવાસ વિસ્તારમાં એક પરિવાર વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પિતાએ મોબાઈલ ફોન ફેંકી દેતા દીકરી ઉશ્કેરાઈ ગઈ હતી. સામાન્ય બાબતે શરૂ થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગુસ્સામાં આવેલી 22 વર્ષીય કાજલ ઉર્ફે વિક્રમે પોતાના પિતા પર કૂકરના ઢાંકણા અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પિતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. ઘરની અંદર જ બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ ભારે ચકચાર મચી ગઈ હતી.

માતાએ દીકરી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે મૃતકની પત્ની એટલે કે આરોપીની માતાએ જ પોતાની દીકરી વિરુદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. માતા દ્વારા પોતાની જ દીકરી સામે ફરિયાદ નોંધાવવામાં આવતાં આ ઘટનાએ વધુ ચર્ચા જગાવી છે. ફરિયાદના આધારે અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી કાજલ ઉર્ફે વિક્રમની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા હત્યા પાછળનું ચોક્કસ કારણ, ઘટનાક્રમ અને અન્ય સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘરકામ જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ પિતાની હત્યા સુધી પહોંચી જતાં સુરતમાં આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો: Jamnagar News: હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની બમ્પર આવક, દરરોજ 8 હજાર ગુણીની આવક