Surat News: રૂપિયા 1.50 કરોડની વીમા છેતરપિંડીનો પર્દાફાશ, ગાઝિયાબાદથી ત્રણ આરોપીઓ ઝડપાયા


Surat News
Surat News: રૂપિયા 1.50 કરોડની વીમા છેતરપિંડીનો પર્દાફાશ, ગાઝિયાબાદથી ત્રણ આરોપીઓ ઝડપાયા


Surat News
Surat News: સુરતમાં વીમા પોલિસીના રૂપિયા પરત અપાવવાના બહાને રૂપિયા 1.50 કરોડથી વધુની ઓનલાઈન છેતરપિંડી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત સાયબર ક્રાઈમ સેલે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પોતે વીમા લોકપાલ કચેરીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપીને લોકોને છેતરતા હતા. આ સમગ્ર કૌભાંડમાં ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 1,50,33,004 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
15 જેટલી વીમા પોલિસી લેવડાવી હતી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ફરિયાદીને અલગ-અલગ કંપનીઓની અંદાજે 15 જેટલી વીમા પોલિસી લેવડાવી હતી. ત્યારબાદ પોલિસીના નાણાં પરત અપાવવાની લાલચ આપી પ્રોસેસિંગ ફી સહિતના વિવિધ ચાર્જના નામે વારંવાર પૈસા પડાવ્યા હતા. આ કેસમાં પોલીસે 64 વર્ષીય નિવૃત્ત પ્રોફેસર અતુલકુમાર નરેશકુમાર શર્મા, 43 વર્ષીય વેપારી મહેશ હરિપ્રસાદ શર્મા અને 32 વર્ષીય પૂર્વ કોલ સેન્ટર કર્મચારી સોનુ વિરેશસિંહ ઠાકુરની ધરપકડ કરી છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી મુજબ, અતુલ શર્મા જરૂરિયાતમંદ લોકો પાસેથી સિમકાર્ડ મેળવી ગેસ કનેક્શનના બહાને બેન્ક ખાતા ખોલાવતો હતો. ત્યારબાદ બેન્ક ખાતા અને સિમકાર્ડની વિગતો મહેશને આપતો હતો. મહેશ આ વિગતો સોનુ સુધી પહોંચાડતો હતો. સોનુ વીમા પોલિસીના રૂપિયા પરત અપાવવાના બહાને ફોન કરીને લોકો પાસેથી નાણાં ટ્રાન્સફર કરાવતો હતો. આ છેતરપિંડીની રકમમાંથી આરોપીઓ 15થી 50 ટકા સુધી કમિશન રાખતા હતા.
2,05,740 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસે આરોપીઓ પાસેથી 14 મોબાઈલ ફોન, 42 ચેકબુક, 17 પાસબુક, 90 ડેબિટ કાર્ડ, 25 સિમકાર્ડ, અંદાજે 80 ખાલી સિમકાર્ડ ટ્રે/સિમકાર્ડ, 70 એક્સેલ શીટની પ્રિન્ટ અને રૂપિયા 2,05,740 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ તપાસમાં 47 બેન્ક ખાતા સામે આવ્યા છે. આ ખાતા સાથે દેશના 15 રાજ્યોમાં નોંધાયેલી 73 સાયબર ફરિયાદો જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદોમાં આશરે રૂપિયા 33.10 લાખની ઓનલાઈન છેતરપિંડી થયાનું જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરી છે.





