Surat News: આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકીનો પર્દાફાશ, ભેસ્તાન પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા

Surat News: સુરત શહેરમાં ભેસ્તાન પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકીનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભેસ્તાનના રાજ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
Kunjan Shukal
Kunjan Shukal
આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકીનો પર્દાફાશઆંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકીનો પર્દાફાશ

આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકીનો પર્દાફાશ

Surat News: સુરત શહેરમાં ભેસ્તાન પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકીનો પર્દાફાશ કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ભેસ્તાનના રાજ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મૂળ રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ATM મારફતે રોકડ ઉપાડી લેવામાં આવતી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ લોકોને રૂપિયા 15થી 16 હજારની લાલચ આપીને તેમના નામે બેન્ક ખાતા ખોલાવતા હતા. ત્યારબાદ બેન્ક એકાઉન્ટની કીટ, ડેબિટ કાર્ડ અને સીમકાર્ડ મેળવી લેતા હતા. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો.

આ ટોળકી છેલ્લા દોઢ વર્ષથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને ફેસબુક પર જૂના સિક્કા વેચવાની તેમજ અન્ય લોભામણી જાહેરાતો મૂકીને લોકો સાથે ઓનલાઈન ઠગાઈ કરતી હતી. ઠગાઈથી મેળવેલા નાણાં ભાડે મેળવેલા બેન્ક ખાતાઓમાં જમા કરાવી અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. ત્યારબાદ ATM મારફતે રોકડ ઉપાડી લેવામાં આવતી હતી.

રૂપિયા 5,72,500નો મુદ્દામાલ જપ્ત

ભેસ્તાન પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 4.47 લાખ રોકડા, 15 મોબાઈલ ફોન, 22 ડેબિટ કાર્ડ, બેંક પાસબુક અને ચેકબુક સહિત કુલ રૂપિયા 5,72,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ટોળકી વિરુદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને તેલંગાણા સહિત દેશના અનેક રાજ્યોમાં સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ભેસ્તાન પોલીસે BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર ચાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat Fire: ડીંડોલીમાં હરિદ્વાર સોસાયટીના મકાનમાં ભીષણ આગ, વૃદ્ધ મહિલાનું કરાયું રેસ્ક્યૂ