Surat News : ધારાસભ્ય મુકેશ પટેલના માર્ગદર્શનથી મંજુલાબેન પટેલનું કરાયું અંગદાન, પાંચ લોકોને મળશે નવજીવન



Manjulaben Patel’s Organ Donation
Surat News : ધારાસભ્ય મુકેશ પટેલના માર્ગદર્શનથી મંજુલાબેન પટેલનું કરાયું અંગદાન, પાંચ લોકોને મળશે નવજીવન



Manjulaben Patel’s Organ Donation
Surat News : કોળી પટેલ સમાજનાં મંજુલાબેન પટેલને તબીબો દ્વારા બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા બાદ તેમના પરિવારજનોએ અંગદાનનો મહાન નિર્ણય લીધો હતો. મંજુલાબેનના હૃદય, લીવર, કિડની અને આંખો સહિતના અંગોનું દાન કરવામાં આવ્યું છે. તેમના આ નિર્ણયથી પાંચ જરૂરિયાતમંદ લોકોને નવું જીવન મળવાની આશા જાગી છે.
એક મહિલાના અંગદાનથી પાંચ પરિવારોમાં જાગી આશા
ઓલપાડમાં રહેતાં મંજુલાબેન પટેલ તેમના પતિ સાથે બાઈક પર ભેસાણ રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમિયાન રસ્તા પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મંજુલાબેન અને તેમના પતિ બાઈક પરથી નીચે પટકાયાં હતાં. આ ઘટનામાં મંજુલાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.
જોકે, ટૂંકી સારવાર દરમિયાન તબીબોએ મંજુલાબેનને બ્રેન ડેડ જાહેર કર્યાં હતાં. આ સમાચારથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આવી કપરી પરિસ્થિતિમાં પણ પરિવારે માનવતાને પ્રાધાન્ય આપીને અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. આ સમગ્ર અંગદાનની પ્રક્રિયામાં ધારાસભ્ય મુકેશ પટેલ અને અંગદાન માટે કાર્યરત ડોનેટ લાઈફ સંસ્થાનું માર્ગદર્શન મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે મંજુલાબેન ધારાસભ્ય મુકેશ પટેલનાં મામી હતાં. પરિવારને અંગદાનનું મહત્વ સમજાવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના પરિણામે આ ઉમદા કાર્ય શક્ય બન્યું હતું.
પાંચ દર્દીઓને મળશે નવજીવન
મંજુલાબેનના હૃદય, લીવર, કિડની અને આંખો સહિત પાંચ અંગોના દાનથી પાંચ લોકોને નવજીવન મળવાની તક ઊભી થઈ છે. એક પરિવાર માટે આ અત્યંત દુઃખદ ક્ષણ હોવા છતાં, તેમના અંગદાનના નિર્ણયથી અન્ય પરિવારોમાં આશાનું નવું કિરણ પ્રગટ્યું છે.
અંગદાનને મહાદાન માનવામાં આવે છે, કારણ કે એક વ્યક્તિનું અંગદાન અનેક જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન બચાવવાનું માધ્યમ બની શકે છે. મંજુલાબેન પટેલના પરિવારનો આ નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે. તેમના અંગદાન થકી પાંચ લોકોને નવું જીવન મળવાની આશા સાથે સુરતમાં આ માનવતાભર્યા કાર્યની સરાહના થઈ રહી છે. મંજુલાબેન હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમના અંગદાનના નિર્ણયથી અનેક લોકોના જીવનમાં નવી આશા અને ખુશીનો સંચાર થશે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




