Agriculture News : ખેડૂતો માટે ગુજરાત સરકારના બે મોટા નિર્ણય: ટેકાના ભાવે ખરીદીની નોંધણીની મુદત 24 ઓક્ટોબર સુધી લંબાઈ



Agriculture News
Agriculture News : ખેડૂતો માટે ગુજરાત સરકારના બે મોટા નિર્ણય: ટેકાના ભાવે ખરીદીની નોંધણીની મુદત 24 ઓક્ટોબર સુધી લંબાઈ



Agriculture News
Agriculture News : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રવિ ઋતુ માટે પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ અને નિદર્શન ઘટકોનો લાભ આપવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાની જાહેરાત કરી છે. સાથે જ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની મુદતમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે.
આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે વધુ સમય મળશે.
ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવી પડશે
કૃષિ મંત્રીના જણાવ્યા અનુસાર, આગામી રવિ ઋતુ દરમિયાન ખેડૂતોને પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ તેમજ નિદર્શન ઘટકોનો લાભ મળી રહે તે હેતુથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ લાભ મેળવવા ઇચ્છુક ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે. આ પોર્ટલ 4 ઓક્ટોબર, 2026થી 15 ઓક્ટોબર, 2026 સુધી ખુલ્લું રહેશે. એટલે કે ખેડૂતોને ઓનલાઇન નોંધણી માટે કુલ 12 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
બીજી તરફ, રાજ્યમાં મગફળી, મગ, સોયાબીન અને અડદ જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયાની અંતિમ તારીખ અગાઉ 9 ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. જોકે, વિવિધ સાંસદો, ધારાસભ્યો અને ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા નોંધણીની મુદત વધારવા માટે રજૂઆતો કરવામાં આવી હતી.
રાજય સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય
ખેડૂતોની આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નોંધણી પ્રક્રિયામાં 15 દિવસનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે ખેડૂતો ઉપરોક્ત ચાર પાકોની ટેકાના ભાવે ખરીદી માટે 24 ઓક્ટોબર, 2026 સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે. આ નિર્ણયથી જે ખેડૂતો અગાઉ નિર્ધારિત સમયમર્યાદામાં નોંધણી કરાવી શક્યા નહોતા તેમને વધારાની તક મળશે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને અપીલ કરી છે કે તેઓ રવિ ઋતુની યોજનાઓનો લાભ લેવા માટે 15 ઓક્ટોબર પહેલાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરે. તેમજ મગફળી, મગ, સોયાબીન અને અડદના ટેકાના ભાવે વેચાણ માટે 24 ઓક્ટોબર પહેલાં નોંધણી કરાવી લે. ખેડૂતો માટે જાહેર કરાયેલા આ બંને નિર્ણયોને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ જરૂરી વિગતો અને દસ્તાવેજો સાથે સમયમર્યાદામાં ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




