Surat News : સુરતમાં ડેન્ગ્યુથી 12 વર્ષીય બાળકનું મોત, તબીબની બેદરકારીથી મોત થયું હોવાનો પરિજનોનો આક્ષેપ



Boy Dies During Dengue Treatment
Surat News : સુરતમાં ડેન્ગ્યુથી 12 વર્ષીય બાળકનું મોત, તબીબની બેદરકારીથી મોત થયું હોવાનો પરિજનોનો આક્ષેપ



Boy Dies During Dengue Treatment
Surat News : બાળકના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બીજી તરફ, પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના તબીબી સ્ટાફ પર બેદરકારીનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ મામલે અઠવા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોહમ્મદ જેદ મલિક છેલ્લા ચાર દિવસથી ડેન્ગ્યુની સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતો. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે અચાનક બાળકને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. આ દરમિયાન હોસ્પિટલમાં હાજર નર્સે તેને એક ઇન્જેક્શન આપ્યું હતું.
ઈન્જેકશન આપ્યા બાદ મોત થયું !
પરિવારનો આક્ષેપ છે કે, ઇન્જેક્શન આપ્યા બાદ બાળકની તબિયત વધુ લથડી હતી. ત્યારબાદ તેને ચારથી પાંચ વખત ઝાડા થયા હતા. ઝાડા થયા બાદ બાળક અચાનક બેભાન થઈ ગયો હતો. બાળકની સ્થિતિ ગંભીર બનતાં હોસ્પિટલમાં હાજર સ્ટાફે તેને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની સલાહ આપી હતી. આથી પરિવારજનો બાળકને તાત્કાલિક બીજી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જોકે, ત્યાં હાજર તબીબે બાળકની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. 12 વર્ષના બાળકના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતક મોહમ્મદ જેદ મલિકના પરિવારમાં માતા-પિતા અને બે મોટી બહેનો છે.
હાલ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી
પરિવારનો આક્ષેપ છે કે, પ્રથમ હોસ્પિટલમાં નર્સ દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યા બાદ જ બાળકની તબિયત વધુ ખરાબ થઈ હતી. આથી સમગ્ર સારવાર પ્રક્રિયા અને હોસ્પિટલના સ્ટાફની કામગીરી અંગે પરિવાર દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
જોકે, બાળકનું મોત માત્ર ઇન્જેક્શન કે તબીબી બેદરકારીને કારણે થયું હોવાની બાબત હાલ પરિવારના આક્ષેપના સ્તરે છે. આ અંગે કોઈ અંતિમ તબીબી કે તપાસ અહેવાલ સામે આવ્યો નથી. સમગ્ર ઘટનાને લઈને અઠવા પોલીસે તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન સારવારના રેકોર્ડ, તબીબી વિગતો અને અન્ય સંબંધિત પાસાઓની ચકાસણી બાદ જ ઘટનાની વાસ્તવિક હકીકત સ્પષ્ટ થઈ શકશે. એક તરફ પરિવારે 12 વર્ષના વ્હાલસોયા દીકરાને ગુમાવ્યો છે, તો બીજી તરફ બાળકના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા પરિવારને ન્યાયની આશા છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




