Sabarkantha : વિજયનગરમાં મારામારી અને ખંડણી માગ્યાનો આક્ષેપ, યાર્ડના ચેરમેન સહિત ત્રણ સામે ફરિયાદ


Sabarkantha
Sabarkantha : વિજયનગરમાં મારામારી અને ખંડણી માગ્યાનો આક્ષેપ, યાર્ડના ચેરમેન સહિત ત્રણ સામે ફરિયાદ


Sabarkantha
Sabarkantha : વિજયનગર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આશ્રમ પાસે સિંચાઈ વિભાગની દિવાલના બાંધકામ દરમિયાન વિવાદ સર્જાયો હોવાનો મામલો સામે આવ્યો છે. કોન્ટ્રાક્ટરને કામ કરવા દેવા માટે રૂપિયા 1 લાખની ખંડણી માગવા, મારામારી કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આક્ષેપ સાથે વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વિજયનગર યાર્ડના ચેરમેન પનાભાઈ રબારી, તેમની પત્ની અને ભાજપનાં જિલ્લા પંચાયત સભ્ય બબુબેન રબારી સહિત ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, સિંચાઈ વિભાગની દિવાલના બાંધકામનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે કોન્ટ્રાક્ટરને કામ કરવા દેવા માટે રૂ. 1 લાખની માગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. જો નાણાં નહીં આપવામાં આવે તો માર મારવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ફરિયાદ મુજબ, વિવાદ દરમિયાન લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ મોબાઈલ ફોન તોડીને નુકસાન પહોંચાડ્યું હોવાનો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરિસ્થિતિ વધુ વણસવાની અને જીવનું જોખમ હોવાની આશંકા વચ્ચે 112 ઈમરજન્સી નંબર પર ફોન કરીને પોલીસની મદદ માગવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
હાલ ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની તપાસ ચાલુ
ઘટનાને પગલે સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે. જાહેર બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટરને ધમકી આપી ખંડણી માગવામાં આવી હોવાના આક્ષેપોને કારણે આ મામલો ગંભીર બન્યો છે. બીજી તરફ, વિજયનગર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં કોણે શું ભૂમિકા ભજવી, ખંડણીની માગણી થઈ હતી કે નહીં અને મારામારીના આક્ષેપોમાં કેટલી હકીકત છે તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Gandhinagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પર ભરોસો મૂકવા બદલ ગુજરાતની જનતાનો આભાર : જગદીશ વિશ્વકર્મા





