Himmatnagar News: સરદાર પટેલ સેવાદળનો સેવાયજ્ઞ, કેન્સરગ્રસ્ત મહેશભાઈના પરિવારને રૂપિયા 34.12 લાખની કરી સહાય

Himmatnagar News: હિંમતનગરના અડપોદરામાં સરદાર પટેલ સેવાદળે કેન્સરગ્રસ્ત મહેશભાઈના પરિવારને રૂ.34.12 લાખની સહાય આપી, દીકરીઓના હિત માટે સંકલ્પ લીધો.
Kunjan Shukal
Kunjan Shukal
હિંમતનગરમાં સરદાર પટેલ સેવાદળનો સેવાયજ્ઞહિંમતનગરમાં સરદાર પટેલ સેવાદળનો સેવાયજ્ઞ

હિંમતનગરમાં સરદાર પટેલ સેવાદળનો સેવાયજ્ઞ

Himmatnagar News: સામાજિક સેવા સાથે સમાજની દીકરીઓના હિત અને માતા-પિતાને ન્યાય અપાવવાના ઉદ્દેશથી શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. હિંમતનગરના અડપોદરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્સર સામે સંઘર્ષ કરી રહેલા મહેશભાઈના પરિવારને એસપીજી સુરક્ષા કવચ હેઠળ રૂપિયા 34,12,000ની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી. આ સાથે સમાજની દીકરીઓના હિતને લગતા કાયદામાં સુધારો લાવવા માટેની લડત વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો.

પરિવાર આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મુકાયો હતો

અડપોદરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આસપાસના 25 ગામના પાટીદાર સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહેશભાઈના પરિવારને સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મહેશભાઈની પત્નીએ જણાવ્યું હતું કે, પતિને કેન્સરનું નિદાન થયા બાદ વિવિધ હોસ્પિટલોમાં સારવાર કરાવવામાં આવી હતી. ઓપરેશન બાદ થોડો સમય તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ ફરી કેન્સરનું નિદાન થતાં પરિવાર આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મુકાયો હતો.

સમાજના લોકોને વ્યસનોથી દૂર રહેવા અપીલ

આ મુશ્કેલ સમયમાં એસપીજીના લાલજીભાઈ પટેલ સહિતના સભ્યો અને પરિવારના ભાઈએ સહયોગ આપ્યો હતો. આર્થિક સહાય મળતાં પરિવારે એસપીજીના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ સમાજના લોકોને વ્યસનોથી દૂર રહેવા અને પરિવારની સુરક્ષા માટે એસપીજી સાથે જોડાવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં એસપીજીની રૂપિયા 1,200ની લાઈફટાઈમ સભ્યપદ યોજના અંગે પણ માહિતી આપવામાં આવી હતી. દરેક પરિવારમાંથી ઓછામાં ઓછો એક સભ્ય એસપીજી સાથે જોડાય અને મુશ્કેલીના સમયે સમાજ એકબીજાની પડખે ઊભો રહે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સમાજની દીકરીઓના હિત અને માતા-પિતાને ન્યાય મળે તે માટે કાયદામાં સુધારો કરવાની માગ ઉઠાવવામાં આવી હતી. છેલ્લા 100 વર્ષથી ચાલી રહેલી આ લડતને આગળ વધારવા અને કાયદામાં સુધારો ન થાય ત્યાં સુધી સરકાર સામે સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ લેવાયો હતો. જરૂર પડ્યે આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવ કે GMDC ખાતે આંદોલન સહિતના કાર્યક્રમો યોજવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી.

આ પણ વાંચો: Junagadh News: સાસણ ગીરમાં પાણીનું સંકટ ઘેરાયું, વન્યજીવો માટે વન વિભાગે શરૂ કરી 37 કૃત્રિમ કુંડ ભરવાની કામગીરી