Junagadh News: સાસણ ગીરમાં પાણીનું સંકટ ઘેરાયું, વન્યજીવો માટે વન વિભાગે શરૂ કરી 37 કૃત્રિમ કુંડ ભરવાની કામગીરી


વન વિભાગની ચિંતામાં વધારો થયો
Junagadh News: સાસણ ગીરમાં પાણીનું સંકટ ઘેરાયું, વન્યજીવો માટે વન વિભાગે શરૂ કરી 37 કૃત્રિમ કુંડ ભરવાની કામગીરી


વન વિભાગની ચિંતામાં વધારો થયો
Junagadh News: જૂનાગઢના સાસણ ગીરના જંગલમાં વરસાદના અભાવે પાણીના કુદરતી સ્ત્રોતો સુકાવા લાગતાં વન્યપ્રાણીઓ સામે પાણીનું સંકટ ઊભું થયું છે. શિયાળાની શરૂઆતમાં જ પાણીની અછત વર્તાતાં વન વિભાગે વન્યજીવોની તરસ છીપાવવા માટે આગોતરું આયોજન શરૂ કર્યું છે. જંગલ વિસ્તારમાં આવેલા કુલ 37 કૃત્રિમ પાણીના પોઇન્ટ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
સોલાર પાવરનો વિશેષ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
મળતી માહિતી મુજબ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વન વિભાગે વહેલી તકે કૃત્રિમ પાણીના કુંડ ભરવાનું શરૂ કર્યું છે. આ કામગીરીમાં સોલાર પાવરનો વિશેષ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તૃણાહારી પ્રાણીઓ અને પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ, હિરણ નદીમાં વહેતું પાણી હાલ વન્યજીવો માટે કુદરતી જળસ્ત્રોત બની રહ્યું છે. જોકે, કમલેશ્વર અને માલણકા ડેમમાં પણ પાણીનો જથ્થો ઘટી રહ્યો હોવાથી વન વિભાગની ચિંતામાં વધારો થયો છે. બોરવેલમાં પાણીનું સ્તર ઘટશે તો પણ કૃત્રિમ કુંડ ભરવાની વ્યવસ્થા ચાલુ રાખવા વન વિભાગ સજ્જ છે. જરૂરિયાત ઊભી થાય તો વધારાના ટ્રેક્ટર અને પાણીના ટેન્કરની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ઉનાળામાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ
પાણીની શોધમાં વન્યપ્રાણીઓ જંગલની બહાર ગામડાં તરફ વળતા હોવાના અનેક બનાવો પણ સામે આવ્યા છે. સાસણના વડીલોના જણાવ્યા મુજબ, 1980ના દાયકામાં પડેલા દુકાળ દરમિયાન પણ જંગલમાં આવી સ્થિતિ જોવા મળી હતી. હાલ શિયાળામાં જ પાણીની અછત સર્જાતાં આગામી ઉનાળામાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે વન વિભાગ માટે વન્યજીવો સુધી પાણી પહોંચાડવું મોટો પડકાર બની રહેશે.
આ તમામ મુશ્કેલીઓ વચ્ચે સાસણ ગીરમાં પ્રવાસીઓનો ધસારો યથાવત છે. પ્રવાસીઓ જંગલના કુદરતી વાતાવરણ અને વન્યજીવોની ઝલક માણી રહ્યા છે. હવે આગામી સમયમાં વરસાદના અભાવ અને ઘટતા જળસ્ત્રોતો વચ્ચે વન વિભાગનું આયોજન કેટલું અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.




