Kheda News: ખેડામાં મહીસાગર નદીના કુદરતી વહેણ સાથે છેડછાડનો આક્ષેપ, ભૂંગળા મૂકી બનાવાયો કામચલાઉ બ્રિજ


કુદરતી વહેણ રોકી કામચલાઉ બ્રિજ બનાવ્યાનો આક્ષેપ
Kheda News: ખેડામાં મહીસાગર નદીના કુદરતી વહેણ સાથે છેડછાડનો આક્ષેપ, ભૂંગળા મૂકી બનાવાયો કામચલાઉ બ્રિજ


કુદરતી વહેણ રોકી કામચલાઉ બ્રિજ બનાવ્યાનો આક્ષેપ
Kheda News: ખેડા જિલ્લાના સેવાલિયા નજીક મહીસાગર નદીના કુદરતી વહેણ સાથે છેડછાડ કરી કામચલાઉ બ્રિજ બનાવવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ભૂમાફિયાઓએ નદીના પાણીના વહેણમાં ભૂંગળા (પાઈપ) પાથરી તેના ઉપર નાનો બ્રિજ બનાવી દીધો હોવાની ચર્ચા છે. આ મામલે નદીના કુદરતી પ્રવાહ અને ગેરકાયદે ખનિજ પરિવહનને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
પાણીના વહેણને અવરોધીને ભૂંગળા મૂકવામાં આવ્યા
મળતી માહિતી મુજબ, સેવાલિયા નજીક મહીસાગર નદીમાં પાણીના વહેણને અવરોધીને ભૂંગળા મૂકવામાં આવ્યા છે અને તેના ઉપર કામચલાઉ રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લા વચ્ચે અવરજવર સરળ બનાવવા માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે, આ રસ્તાનો ઉપયોગ માત્ર અવરજવર માટે જ નહીં, પરંતુ મોટા પ્રમાણમાં ખનીજના ગેરકાયદે પરિવહન માટે પણ થતો હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.
પર્યાવરણને પણ નુકસાન થવાની ભીતિ
સ્થાનિક સ્તરે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ રસ્તા મારફતે કરોડો રૂપિયાના ખનીજનું ગેરકાયદે પરિવહન થઈ રહ્યું છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો સરકારની તિજોરીને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. સાથે જ નદીના કુદરતી વહેણમાં અવરોધ ઊભો થવાથી પર્યાવરણને પણ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
નદીમાં આ બ્રિજ કોણે બનાવ્યો?
આ મામલે પાલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પારૂલબેન પટેલે આશરે 15 દિવસ અગાઉ સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરી હતી. તેમણે મહીસાગર નદીમાં બનાવવામાં આવેલા આ કામચલાઉ બ્રિજને તાત્કાલિક તોડી પાડવાની માગ કરી હતી. જોકે, રજૂઆતના 15 દિવસ બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે સ્થાનિકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે મહીસાગર નદીમાં આ બ્રિજ કોણે બનાવ્યો? કોની રહેમનજર હેઠળ આ પ્રવૃત્તિ ચાલી રહી છે? તંત્ર દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.




