Himatnagar Groundnut Market: હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અધધ આવક, ખેડૂતોને રૂપિયા 2,227 સુધીના ભાવ મળ્યા

Himatnagar Groundnut Market: સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ભારે આવક શરૂ થઈ છે. મગફળીના પાકની આવક વધતા માર્કેટિંગ યાર્ડ ખચોખચ ભરાઈ ગયું છે.
Kunjan Shukal
Kunjan Shukal
હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અધધ આવકહિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અધધ આવક

હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અધધ આવક

Himatnagar Groundnut Market: સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ભારે આવક શરૂ થઈ છે. મગફળીના પાકની આવક વધતા માર્કેટિંગ યાર્ડ ખચોખચ ભરાઈ ગયું છે, જ્યારે યાર્ડની બહાર બંને બાજુ વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આસપાસના જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો પાક વેચવા હિંમતનગર યાર્ડ પહોંચી રહ્યા છે.

સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

દિવાળી સુધીમાં હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં 7.60 લાખથી વધુ બોરી મગફળીની આવક નોંધાઈ હતી. રજાઓ બાદ પણ એક જ દિવસમાં અંદાજે 48,000 બોરી મગફળીની આવક થતાં યાર્ડમાં ભારે ભીડ જોવા મળી રહી છે. બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા અને કપડવંજ સહિતના વિસ્તારોમાંથી ખેડૂતો મગફળી વેચવા આવી રહ્યા છે. આ વર્ષે મગફળીના ઉત્પાદન પર અસર જોવા મળી છે, જેના કારણે ખેડૂતો સારા ભાવની આશા રાખી રહ્યા છે. હાલમાં હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ રૂપિયા 1,800થી શરૂ થઈને ગુણવત્તા અનુસાર મહત્તમ રૂપિયા 2,227 પ્રતિ મણ સુધી મળી રહ્યા છે. સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

માર્કેટિંગ યાર્ડમાં વાહનોની ભીડ વધી

ખેડૂતોના જણાવ્યા અનુસાર, અહીં સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવ મળી રહ્યા છે. અન્ય જિલ્લાના માર્કેટ યાર્ડની સરખામણીએ હિંમતનગરમાં સારા ભાવ અને વ્યવસ્થાને કારણે ખેડૂતો અહીં વેચાણ માટે આવી રહ્યા છે. અન્ય રાજ્યોના વેપારીઓ પણ મગફળીની ખરીદી માટે યાર્ડમાં પહોંચતા મગફળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મગફળીની ભારે આવકને કારણે માર્કેટિંગ યાર્ડમાં વાહનોની ભીડ વધી છે. ખેડૂતોને સારા ભાવ મળતા રાહત અનુભવાઈ રહી છે, ત્યારે યાર્ડમાં વધતી આવક આગામી દિવસોમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: Election Gram Panchayats Meghraj : મેઘરજ તાલુકાની 28 ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના પડઘમ, વોર્ડવાઇઝ રોટેશન જાહેર