Sabarkantha Crime News: સાબરકાંઠામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, નાના ભાઈએ જ ઘરમાંથી ચોરી કરી હોવાનો ખુલાસો

Sabarkantha Crime News: સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે.
Kunjan Shukal
Kunjan Shukal
Sabarkantha chithoda house burglary newsSabarkantha chithoda house burglary news

Sabarkantha chithoda house burglary news

Sabarkantha Crime News: સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. દલપતપુરા ગામમાં થયેલી ચોરીમાં પરિવારના જ સભ્યની સંડોવણી સામે આવી છે. પોલીસે ફરિયાદીના નાના ભાઈની પૂછપરછ કરતા સમગ્ર ચોરીનો પર્દાફાશ થયો હતો. પોલીસે સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂપિયા 5,59,300નો 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો છે.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લીધી

મળતી માહિતી મુજબ, ગત 26 ઓક્ટોબરના રોજ દલપતપુરા ગામના રહેવાસી સુનીલકુમાર વિનોદભાઈ ઘોઘરાના ઘરે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ સ્થાનિક પોલીસ અને સાબરકાંઠા એલસીબીની ટીમે સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી.

ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદ લીધી હતી. તપાસ દરમિયાન પોલીસને પરિવારના જ સભ્ય પર શંકા ગઈ હતી. ત્યારબાદ ફરિયાદીના નાના ભાઈ સિદ્ધરાજકુમાર વિનોદભાઈ ઘોઘરાની યુક્તિપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ચોરી અંગેની હકીકત સામે આવી હતી.

પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો

આરોપીએ આપેલી માહિતીના આધારે પોલીસે ઘરની નજીક આવેલા પાણીના વેરા પાસે આંબાના ઝાડ નીચેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં સોનાની બે ચેન, મંગળસૂત્ર, વીંટી, બુટ્ટી, ચૂની, ચાંદીનો કમરજોડો, કડા, બ્રેસલેટ, ચેન અને રૂપિયા 50,000 રોકડનો સમાવેશ થાય છે.

આમ, પોલીસે કુલ રૂપિયા 5,59,300ની કિંમતનો ચોરીનો મુદ્દામાલ 100 ટકા રિકવર કરી લીધો છે. ઘરફોડ ચોરીના આ ગુનામાં સફળતા મેળવ્યા બાદ પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારના જ સભ્યની સંડોવણી સામે આવતાં સમગ્ર વિસ્તારમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: Jamnagar Lift Problem: જામનગર મહાનગરપાલિકાની લિફ્ટ વારંવાર બંધ થવાની સમસ્યા યથાવત, વૃદ્ધો અને અરજદારો પરેશાન