Jamnagar Lift Problem: જામનગર મહાનગરપાલિકાની લિફ્ટ વારંવાર બંધ થવાની સમસ્યા યથાવત, વૃદ્ધો અને અરજદારો પરેશાન


Jamnagar municipal corporation lift problem
Jamnagar Lift Problem: જામનગર મહાનગરપાલિકાની લિફ્ટ વારંવાર બંધ થવાની સમસ્યા યથાવત, વૃદ્ધો અને અરજદારો પરેશાન


Jamnagar municipal corporation lift problem
Jamnagar Lift Problem: જામનગર મહાનગરપાલિકાની વહીવટી કચેરીમાં લિફ્ટની અવારનવાર સર્જાતી સમસ્યાને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધો, દિવ્યાંગો અને અશક્ત નાગરિકો માટે કચેરીના ચાર માળ સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. લિફ્ટ બંધ હોવાને કારણે લોકોને ફરજિયાત પગથિયાં ચઢવાની નોબત આવી રહી છે.
નાગરિકોની અવરજવર માટે બે લિફ્ટની વ્યવસ્થા
જામનગર મહાનગરપાલિકાની ચાર માળની વહીવટી કચેરીમાં નાગરિકોની અવરજવર માટે બે લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, બંનેમાંથી લિફ્ટ અવારનવાર બંધ રહેતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. પરિણામે વિવિધ સરકારી કામકાજ માટે આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ઉંમરલાયક નાગરિકો અને શારીરિક રીતે અશક્ત લોકો માટે આ સમસ્યા વધુ ગંભીર બની છે.
વહીવટી તંત્ર સામે સવાલો ઉઠ્યા
આ સમગ્ર મામલે પૂર્વ વિપક્ષી નેતા આનંદ રાઠોડે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. તેમના આક્ષેપ મુજબ, કચેરીમાં કાર્યરત લિફ્ટ આશરે 22 વર્ષ જૂની છે. આટલો લાંબો સમય વીતી જવા છતાં નવી લિફ્ટ મૂકવાના બદલે માત્ર મેન્ટેનન્સ પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં લિફ્ટની સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી.
તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવશે?
આનંદ રાઠોડે વધુમાં આક્ષેપ કર્યો છે કે મહાનગરપાલિકા દ્વારા કચેરીના રિનોવેશન અને શૌચાલય જેવી સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનું બજેટ ખર્ચવામાં આવે છે, પરંતુ નાગરિકોની સુવિધા સાથે સીધી રીતે જોડાયેલી લિફ્ટ બદલવા માટે તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે.
તેમણે મ્યુનિસિપલ કમિશનરનું આ મામલે તાત્કાલિક ધ્યાન દોરવાની માગ કરી છે. સાથે જ જૂની લિફ્ટના સ્થાને નવી લિફ્ટની વ્યવસ્થા કરી વૃદ્ધો, દિવ્યાંગો અને સામાન્ય અરજદારોને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકાનું તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ક્યારે પગલાં ભરે છે.




