Rajkot : શહેરમાં 6 દિવસ સુધી રહેશે પાણી કાપ, સ્થાનિકોને રહેશે મુશ્કેલી


Rajkot : શહેરમાં 6 દિવસ સુધી રહેશે પાણી કાપ, સ્થાનિકોને રહેશે મુશ્કેલી


Rajkot : રાજકોટ શહેરમાં એક તરફ સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આજી અને ન્યારી ડેમમાં ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે તો બીજી તરફ શહેરના લોકોને આગામી 6 દિવસ સુધી પાણીકાપનો સામનો કરવો પડશે. શહેરમાં પાણીની લાઈનોમાં સર્જાયેલી સમસ્યાને પગલે તબક્કાવાર પાણીકાપનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જળાશયોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક બની
રાજકોટમાં 16થી 21 સપ્ટેમ્બર દરમિયાન શહેરના તમામ 18 વોર્ડમાં તબક્કાવાર પાણીકાપ ઝીંકવામાં આવશે. આ દરમિયાન અલગ-અલગ વોર્ડમાં પાણી પુરવઠાને અસર થવાની છે. ત્રણ મુખ્ય પાણીની લાઈનો તૂટવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાણીકાપને કારણે રાજકોટ શહેરના અંદાજે 15 લાખ લોકોને અસર થવાની શક્યતા છે.
મહત્વનું છે કે, રાજકોટમાં ચાલુ ચોમાસા દરમિયાન અપેક્ષા પ્રમાણે વરસાદ ન પડતાં આજી, ન્યારી અને ભાદર સહિતના જળાશયોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક બની હતી. કેટલાક જળાશયોમાં પાણીનું સ્તર ઘટતાં તળિયા દેખાવાની સ્થિતિ સર્જાઈ હતી. આવી સ્થિતિ વચ્ચે શહેરના પાણી પુરવઠાને જાળવી રાખવા માટે સૌની યોજના મારફતે નર્મદાનું પાણી આજી અને ન્યારી ડેમમાં પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પાઈપલાઈનમાં ખામીના કારણે લોકોને પાણીની અછત
પરંતુ પાણીની લાઈનો તૂટતા હવે શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર પાણીકાપની સ્થિતિ ઉભી થઈ છે. આગામી 6 દિવસ દરમિયાન અલગ-અલગ વોર્ડમાં પાણી પુરવઠો બંધ અથવા નિયંત્રિત રહેશે. જેના કારણે ઘરવપરાશ ઉપરાંત વેપાર-ધંધા અને અન્ય દૈનિક કામગીરી પર પણ અસર થવાની શક્યતા છે. ચોમાસાની સિઝનમાં જ પાણીકાપ જાહેર થતાં રાજકોટવાસીઓમાં પણ ચર્ચા શરૂ થઈ છે. એક તરફ નર્મદાનું પાણી જળાશયોમાં ઠાલવવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે બીજી તરફ પાઇપલાઈનમાં ખામીના કારણે લોકોને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તૂટેલી ત્રણેય લાઈનોની કામગીરી ઝડપથી પૂર્ણ કરીને પાણી પુરવઠો સામાન્ય કરવામાં આવે તેવી શહેરવાસીઓની અપેક્ષા છે.
આ પણ વાંચો : Surat : તરસાડી-કોસંબામાં આજથી ગરબાનો રંગ જામશે, પાંચમા રોટરી નવરાત્રી મહોત્સવનો શુભારંભ





