Rajkot : ટ્રાફિક વ્યવસ્થા સુધારવા સર્વે શરૂ, કોટેચા ચોક પર ફોરવ્હીલર માટે વૈકલ્પિક વ્યવસ્થાની કવાયત


Rajkot
Rajkot : ટ્રાફિક વ્યવસ્થા સુધારવા સર્વે શરૂ, કોટેચા ચોક પર ફોરવ્હીલર માટે વૈકલ્પિક વ્યવસ્થાની કવાયત


Rajkot
Rajkot : રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયમન અને ટ્રાફિક જામની સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ બેરીકેટ લગાવી રસ્તાઓ પર નિયંત્રણ કરવામાં આવ્યું છે. ત્યારે મંગળવારે રાજકોટ શહેર ટ્રાફિક વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને સર્વે શરૂ કરવામાં આવ્યો હતો.
ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
ખાસ કરીને કાલાવડ રોડ પર આવેલા કોટેચા ચોક ખાતે ટ્રાફિક જામ ન સર્જાય તે માટે ફોરવ્હીલર વાહનો માટે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જેના કારણે નિર્મલા કોન્વેન્ટ રોડ તરફથી કે.કે.વી. હોલ તરફ જતા ફોરવ્હીલર ચાલકોને મહિલા કોલેજ અન્ડરબ્રિજ ખાતે યુ-ટર્ન લઈને કે.કે.વી. હોલ તરફ જવું પડે છે. હાલ કોટેચા ચોક ખાતે માત્ર ટુ-વ્હીલર વાહનચાલકોને એક તરફથી બીજી તરફ જવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, ફોરવ્હીલર ચાલકોને પણ ટ્રાફિકમાં મુશ્કેલી ન પડે તે માટે આગામી સમયમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ પરથી જવું પડી રહ્યું છે
બીજી તરફ, રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા જામનગર રોડ પર પણ બે સ્થળોએ બેરીકેટ લગાવવામાં આવ્યા છે. આ બેરીકેટને કારણે વિવિધ માર્ગો પરથી પસાર થતા વાહનચાલકોને પોતાના નિયત સ્થળે પહોંચવા માટે લાંબો ફેરો કરવો પડી રહ્યો છે. જામનગર રોડ પર એરપોર્ટ ગાર્ડન પાસે બેરીકેટ લગાવવામાં આવ્યા બાદ શીતલ પાર્ક તરફથી સિવિલ હોસ્પિટલ તરફ આવતા વાહનચાલકો તેમજ રેલનગર તરફથી 150 ફૂટ રિંગ રોડ તરફ જતા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ પરથી જવું પડી રહ્યું છે.
આ વ્યવસ્થાને લઈને અગાઉ વિરોધ પણ નોંધાયો હતો. બે દિવસ પહેલા ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિત પાંચ વ્યક્તિઓ સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. હવે કોટેચા ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા વધુ સુગમ બને અને વાહનચાલકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે તંત્ર દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ડુંગળીના ભાવમાં ઉછાળો: ‘ગરીબોની કસ્તુરી’ હવે બની મોંઘી, સુરતમાં ભાવ ₹1100 સુધી પહોંચ્યો





