Get News Alerts

Never miss breaking news updates.

Rajkot : ફૂડ વિભાગના 'વોલ્ગા ઘી ડેપો' પર દરોડા, 2.83 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ

Rajkot : રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતાં તત્વો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને મનપાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે.
Kunjan ShuklaUpdated on: 18 Sep 2026 07:27 PM IST
Rajkot : ફૂડ વિભાગના 'વોલ્ગા ઘી ડેપો' પર દરોડા, 2.83 લાખથી વધુનો મુદ્દામાલ સીઝRajkot : ફૂડ વિભાગના 'વોલ્ગા ઘી ડેપો' પર દરોડા, 2.83 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ

Rajkot

Rajkot : રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતાં તત્વો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને મનપાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. આયુર્વેદમાં ઔષધિ સમાન ગણાતા શુદ્ધ ઘીમાં તેલ અને વનસ્પતિ મિક્સ કરી વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કેવડાવાડી સ્થિત 'વોલ્ગા ઘી ડેપો' પર દરોડો પાડી ભેળસેળયુક્ત ઘીના 6 સેમ્પલ લેવામાં આવ્યા હતા અને 2.83 લાખથી વધુનો શંકાસ્પદ મુદ્દામાલ સીઝ કરાયો હતો.

37 જેટલા નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા

આ ઉપરાંત ગણેશોત્સવને અનુલક્ષીને શહેરભરમાંથી મોદક, માવા અને ડેરી પ્રોડક્ટ્સ સહિત કુલ 37 જેટલા નમૂનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. SOG અને ફૂડ વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે કેવડાવાડી મેઈન રોડ પર આવેલા 'વોલ્ગા ઘી ડેપો'માં સોયાબીન ઓઈલ, વનસ્પતિ ઘી અને મિલ્ક ફેટનું મિશ્રણ કરી બનાવટી ઘી તૈયાર કરાઈ રહ્યું છે. દરોડા દરમિયાન હોમમેડ કાઉ ઘી, ગૌશાળાનું શુદ્ધ દેશી ગાયનું ઘી, કામધેનુ પ્રીમિયમ ઘી અને લુઝ ઘી મળી કુલ 6 સેમ્પલ જપ્ત કરાયા હતા. સ્થળ પરથી 2,83,879ની કિંમતનો શંકાસ્પદ જથ્થો, વનસ્પતિ ઘીના ડબ્બા, બનાવટી બ્રાન્ડિંગ સ્ટીકરો તેમજ પેકિંગ મશીનરી સહિતનો સામાન કબજે લેવાયો હતો.

વિદ્યાર્થી છાત્રાલયોના રસોડામાં પણ સરપ્રાઈઝ ચેકિંગ

ગણેશ ચતુર્થીના તહેવારમાં મીઠાઈનો ઉપાડ વધતાં અખાદ્ય માલ પધરાવી ન દેવાય તે માટે ગુરુકૃપા સ્વીટ્સ, ગજાનંદ સોનપાપડી, શ્યામ ડેરી, રસધારા સ્વીટ્સ, શિવશક્તિ ગૃહઉદ્યોગ અને કૃપાનિધિ સહિતની પેઢીઓમાંથી મોતીચૂર લાડુ, ગુલકંદ મોદક, ચોકલેટ મોદક અને સોનપાપડીના નમૂના લેવાયા હતા. આ ઉપરાંત મેઘમિલન ડેરી, શ્રી તિરુપતિ ડેરી, માટેલ સ્વીટ્સ અને જય યોગેશ્વર ડેરીમાંથી મીઠા માવાના સેમ્પલ લઈને ગુણવત્તા ચકાસણી માટે મોકલાયા હતા. રાજ્યમાં હોસ્ટેલોમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાઓને પગલે પાલિકાએ વિદ્યાર્થી છાત્રાલયોના રસોડામાં પણ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

સ્વચ્છતા રાખવા કડક નોટિસ

યુનિવર્સિટી રોડ સ્થિત સમરસ કુમાર છાત્રાલય (યુવરાજ કેટરર્સ)ને નોટિસ ફટકારી રાંધેલા ભોજનના 4 સેમ્પલ અને કાલાવડ રોડની લોન્જ બોયઝ હોસ્ટેલમાંથી લોટના 3 સેમ્પલ લેવાયા હતા. આ સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ તેમજ ગેલેક્સી હોસ્ટેલમાંથી મસાલા અને સેવના નમૂના પણ લેબમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બહુચરાજી સ્વીટ નમકીનમાંથી એક્સપાયરી વગરની અને ખોરી થઈ ગયેલી 60 કિલો ખાજલીનો સ્થળ પર જ નાશ કરી 1,000નો દંડ કરાયો હતો. આ ઉપરાંત સારાઝા રેસ્ટોરન્ટ અને યુવરાજ કેટરિંગ સહિત પેરેન્ટ્સ, શિવ બોયઝ, માધવ પીજી, જય રેસિડેન્સી અને શ્રીજી ગર્લ્સ હોસ્ટેલ પાસેથી વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. કડવીબાઈ વિરાણી કન્યા છાત્રાલય અને કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ સહિતના એકમોને રસોડામાં ગંદકી જણાતાં સ્વચ્છતા રાખવા કડક નોટિસ પાઠવવામાં આવી હતી.

આ પણ વાંચો : Ahmedabad : વાડજમાં લાઈટ ચાલુ-બંધ કરવા જેવી સામાન્ય બાબતે ભાઈએ કરી ભાઈની હત્યા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.