Get News Alerts

Never miss breaking news updates.

Ahmedabad : વાડજમાં લાઈટ ચાલુ-બંધ કરવા જેવી સામાન્ય બાબતે ભાઈએ કરી ભાઈની હત્યા

Ahmedabad : વાડજ વિસ્તારમાં ભાઈએ જ પોતાના નાના ભાઈની હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. લાઈટ ચાલુ-બંધ કરવા જેવી સામાન્ય બાબતે બે ભાઈઓ વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બન્યો.
Kunjan ShuklaUpdated on: 18 Sep 2026 06:10 PM IST
Ahmedabad : વાડજમાં લાઈટ ચાલુ-બંધ કરવા જેવી સામાન્ય બાબતે ભાઈએ કરી ભાઈની હત્યાAhmedabad : વાડજમાં લાઈટ ચાલુ-બંધ કરવા જેવી સામાન્ય બાબતે ભાઈએ કરી ભાઈની હત્યા

Ahmedabad

Ahmedabad : અમદાવાદના વાડજ વિસ્તારમાં ભાઈએ જ પોતાના નાના ભાઈની હત્યા કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. લાઈટ ચાલુ-બંધ કરવા જેવી સામાન્ય બાબતે બે ભાઈઓ વચ્ચે થયેલો ઝઘડો ઉગ્ર બન્યો હતો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન મોટા ભાઈએ નાના ભાઈ પર કાતરથી હુમલો કરતાં તેનું મોત થયું હતું.

બોલાચાલી બાદ બંને વચ્ચે મારામારી શરૂ થઈ

મળતી માહિતી મુજબ, વાડજ વિસ્તારમાં રહેતા રાજુભાઈ રતીલાલ ચૌહાણ અને તેમના નાના ભાઈ નરેશભાઈ વચ્ચે લાઈટ ચાલુ-બંધ કરવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં થયેલી બોલાચાલી બાદ બંને વચ્ચે મારામારી શરૂ થઈ હતી. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા રાજુભાઈએ ફ્રિજ ઉપર રાખેલી કાતર ઉઠાવી નરેશભાઈ પર હુમલો કર્યો હતો.

આરોપીએ નરેશભાઈના પેટ, છાતી સહિત શરીરના અલગ-અલગ ભાગે કાતર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નરેશભાઈને તાત્કાલિક સારવારની જરૂરિયાત હતી. ઘટનાની જાણ થતાં 108 ઈમરજન્સી સેવા ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે તપાસ કર્યા બાદ નરેશભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલાની જાણ વાડજ પોલીસને કરવામાં આવી હતી.

આરોપીને કલોલથી ઝડપી પાડ્યો

ઘટનાની માહિતી મળતાં વાડજ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હત્યાનો ગુનો નોંધ્યો હતો. જોકે ઘટના બાદ આરોપી રાજુભાઈ ચૌહાણ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આરોપીને ઝડપી પાડવા વાડજ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને આરોપી ગાંધીનગરના કલોલ વિસ્તારમાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ ટીમે કાર્યવાહી કરી રાજુભાઈ ચૌહાણને કલોલથી ઝડપી પાડ્યો હતો.

પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાતર પણ કબજે કરી છે. સાથે જ ઘટનાસ્થળના CCTV ફૂટેજ સહિતના પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. બંને ભાઈઓ વચ્ચે ઝઘડો કયા કારણોસર થયો હતો અને હત્યા પાછળ અન્ય કોઈ કારણ હતું કે કેમ તે અંગે પણ વાડજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad : નવરંગપુરા વિસ્તારમાં ઝાડ ધરાશાયી, કાર સહિત ત્રણ વાહનો દબાયા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.