Rajkot ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી, ખેડૂતો સાથે છેતરપિંડી કરતા બે કોલ સેન્ટર ઝડપાયા



Rajkot Farmer Fraud Call Center
Rajkot ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી, ખેડૂતો સાથે છેતરપિંડી કરતા બે કોલ સેન્ટર ઝડપાયા



Rajkot Farmer Fraud Call Center
Rajkot Farmer Fraud Call Center: રાજકોટ ગ્રામ્ય પોલીસે ખેડૂતો સાથે છેતરપિંડીના કથિત નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રાજકોટ શહેર અને અમદાવાદ શહેરમાંથી બે કોલ સેન્ટર ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, આ કોલ સેન્ટરોના માધ્યમથી ખેડૂતોને નિશાન બનાવી છેતરપિંડી કરવામાં આવતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કોલ સેન્ટર કુખ્યાત આરોપી અલ્પેશ દોંગા અને અક્ષિત અકબરી ઉર્ફે હેપ્પી પટેલ સાથે મળીને ચલાવતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ખેડૂતોને નજીવી રકમ વ્યાજે આપતા અને ત્યારબાદ તેમની કરોડો રૂપિયાની જમીન અન્ય વ્યક્તિઓના નામે કરાવી લેતા હોવાનો પોલીસનો દાવો છે. પોલીસના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાંથી 6 જેટલા ખેડૂતો સાથે આ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોને પોતાની જમીન પરત પોતાના નામે કરાવવા માટે અગાઉ મેળવેલી રકમ કરતાં વધુ રકમ આરોપીઓને પરત આપવી પડતી હોવાનો પણ આક્ષેપ છે.

ખેડૂતોની મજબૂરીનો લાભ લેવાનો આરોપ
આરોપીઓ ખેડૂતોની અજ્ઞાનતા અને આર્થિક મજબૂરીનો લાભ લેતા હોવાનો પોલીસનો દાવો છે. આરોપીઓ પોતાના સાયબર એક્સપર્ટ મિત્રના માધ્યમથી મહિલાઓનો સંપર્ક કરતા અને તેમને કોલ સેન્ટરમાં કામે રાખતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ, ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ અને પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટના નામે પેઢીઓ ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

કોલ સેન્ટરમાંથી મહત્વના દસ્તાવેજો મળ્યા
રાજકોટ શહેરના કોલ સેન્ટર ખાતે પોલીસે તપાસ કરતા 14 જેટલી મહિલાઓ કામ કરતી મળી આવી હતી. કોલ સેન્ટરમાંથી રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લાઓના આશરે 32 ખેડૂતોના 7/12, 8-અ, હક્કપત્રક, બોજો પત્રક, આધારકાર્ડ અને પાનકાર્ડ સહિતના દસ્તાવેજોની નકલો મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

અલ્પેશ દોંગા સામે અનેક ગુના નોંધાયેલા
પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી અલ્પેશ દોંગા વિરુદ્ધ રાજકોટ શહેરમાં 7 અને રાજકોટ ગ્રામ્યમાં 6 જેટલા ગુના અગાઉથી નોંધાયેલા છે. હાલ અલ્પેશ દોંગા જેલમાં છે અને કોર્ટના માધ્યમથી તેનો કબજો મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં પોલીસે હિરેન લુણાગરિયાની ધરપકડ કરી છે. સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને ખેડૂતો પાસેથી કેટલી રકમ તથા જમીન મેળવવામાં આવી છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





