Rajkot : Blinkitના સ્ટોરેજ પર મનપાની કાર્યવાહી, 596 કિલો પડતર શાકભાજી-ફળોનો નાશ


Rajkot
Rajkot : Blinkitના સ્ટોરેજ પર મનપાની કાર્યવાહી, 596 કિલો પડતર શાકભાજી-ફળોનો નાશ


Rajkot
Rajkot : રાજકોટમાં ઓનલાઈન શાકભાજી અને ફળો મગાવતા ગ્રાહકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા Blinkitના સ્ટોરેજ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં પડતર અને ઉપયોગ લાયક ન હોય તેવા શાકભાજી તથા ફળો મળી આવતા મનપાએ કાર્યવાહી કરી હતી.
જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી
મળતી માહિતી મુજબ, રાજકોટ મનપાની ટીમે Blinkitના સ્ટોરેજમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સ્ટોરેજમાં રાખવામાં આવેલા શાકભાજી અને ફળોની ગુણવત્તા તથા સ્થિતિની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં લાંબા સમયથી પડતર રહેલો અને વેચાણ માટે યોગ્ય ન હોય તેવો જથ્થો મળી આવ્યો હતો. મનપાની ટીમે કુલ 596 કિલો શાકભાજી અને ફળોનો જથ્થો નાશ કર્યો હતો. મોટી માત્રામાં પડતર ખાદ્યસામગ્રી મળી આવતા મનપા દ્વારા સંબંધિત જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
વસ્તુઓની ગુણવત્તા સામે પણ સવાલો
આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવામાં બેદરકારી બદલ 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મનપાની આ કાર્યવાહી બાદ ઓનલાઈન ગ્રોસરી અને ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પર મળતી વસ્તુઓની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ઓનલાઈન ઓર્ડર કરતી વખતે ગ્રાહકોને શાકભાજી અને ફળોની તાજગી ચકાસવા માટે સાવચેતી રાખવાની જરૂર છે. ઘરે ડિલિવરી થયા બાદ શાકભાજી કે ફળો બગડેલા, સડેલા અથવા ઉપયોગ લાયક ન હોય તો તેનો ઉપયોગ ટાળવો જોઈએ.
રાજકોટ મનપા દ્વારા સમયાંતરે વિવિધ ખાદ્ય એકમો અને સ્ટોરેજ સેન્ટરોમાં તપાસ હાથ ધરવામાં આવે છે. આ ઘટનામાં 596 કિલો જેટલો જથ્થો નાશ કરવામાં આવતા ખાદ્ય પદાર્થોના સંગ્રહ અને ગુણવત્તા જાળવણીને લઈને ગંભીરતા સામે આવી છે. હવે સવાલ એ છે કે જો આ પડતર શાકભાજી અને ફળોનો જથ્થો મનપાની તપાસમાં ઝડપાયો ન હોત તો શું તે ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવત? ઓનલાઈન ખરીદીમાં માત્ર ઝડપથી ડિલિવરી નહીં, પરંતુ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી પણ એટલી જ મહત્વની છે.
આ પણ વાંચો : Surat : નાનપુરામાં વિશાળકાય વૃક્ષ થયું ધરાશાયી, ત્રણ લોકો ઈજાગ્રસ્ત





