Get News Alerts

Never miss breaking news updates.

204 કિલો ગાંજા કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, ઓરિસ્સાથી સપ્લાય કરનારા બે સગા ભાઈ ઝડપાયા

Rajkot 204 Kg Ganja Case: રાજકોટ શહેરની ભાગોળે બામણબોર ચેકપોસ્ટ નજીકથી ગત મહિને ઝડપાયેલા 204 કિલો ગાંજાના કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ...
R Gajjar
R GajjarUpdated on: 23 Sep 2026 03:35 PM IST
204 કિલો ગાંજા કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, ઓરિસ્સાથી સપ્લાય કરનારા બે સગા ભાઈ ઝડપાયા204 કિલો ગાંજા કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, ઓરિસ્સાથી સપ્લાય કરનારા બે સગા ભાઈ ઝડપાયા

Rajkot 204 Kg Ganja Case

Rajkot 204 Kg Ganja Case: રાજકોટ શહેરની ભાગોળે બામણબોર ચેકપોસ્ટ નજીકથી ગત મહિને ઝડપાયેલા 204 કિલો ગાંજાના કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વધુ બે આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ SOG દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી રાજકોટ મોકલનાર સપ્લાયર અને રાજકોટમાં જથ્થો મંગાવનાર રિસીવર વચ્ચેનું કનેક્શન સામે આવ્યું હતું. અગાઉ રિસીવર તરીકે સામે આવેલા આરોપીની ધરપકડ બાદ હવે પોલીસે કથિત સપ્લાયર એવા બે સગા ભાઈને ઝડપી લીધા છે.

હડાળા ગામના પાટિયા પાસેથી બંને ઝડપાયા

ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે હડાળા ગામના પાટિયા પાસેથી અમિત ઉર્ફે અમીન ઉર્ફે ગોરખો અને સિકંદર ઉર્ફે ઇમરાન ઉર્ફે ઉંદેડોને ઝડપી લીધા છે. ગત મહિને SOGની ટીમે બામણબોર ચેકપોસ્ટ નજીકથી મહંમદ ઉર્ફે કાળો સર્વદી અને અરબાઝ સંધીને 204 કિલો ગાંજા સાથે ઝડપી લીધા હતા. પોલીસ મુજબ જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે રૂ.1.55 કરોડ હતી.

ઓરિસ્સાથી રાજકોટ ગાંજો મોકલાતો હોવાનો પોલીસનો દાવો

કેસની તપાસ દરમિયાન ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી રાજકોટ મોકલવામાં આવ્યો હતો તેવી વિગતો સામે આવી હતી. તપાસમાં મૂળ રાજકોટનો રહેવાસી અને હાલ ઓરિસ્સામાં રહેતો અમિત ઉર્ફે ગોરખો સપ્લાયર તરીકે સામે આવ્યો હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસ તપાસ મુજબ, અમિતે ઓરિસ્સામાં મકાન ભાડે રાખ્યું હતું અને રાજકોટ તથા ઓરિસ્સા વચ્ચે અવરજવર કરતો હતો. ત્યાંથી રાજકોટમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરતો હોવાની માહિતી તપાસમાં મળી છે.

સેલ્ફ ડ્રાઈવ કાર અને ટ્રક મારફતે જથ્થો પહોંચાડ્યાનો આક્ષેપ

પોલીસના જણાવ્યા મુજબ, અગાઉ અમિત ઉર્ફે ગોરખોએ ભાડાની સેલ્ફ-ડ્રાઈવ કાર તેમજ ટ્રક મારફતે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો રાજકોટ પહોંચાડ્યો હતો. તપાસમાં હવે ક્રાઈમ બ્રાન્ચ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને અગાઉ રાજકોટમાં ગાંજાની કેટલી ખેપ પહોંચાડવામાં આવી હતી.

અગાઉ રિસીવર તરીકે ‘માયા’ની ધરપકડ

204 કિલો ગાંજાના કેસની તપાસ દરમિયાન ગાંજાનો જથ્થો રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી ન્યૂ સાગર સોસાયટીમાં રહેતા રજમીન ઉર્ફે રમીઝ ઉર્ફે માયા ઉર્ફે ભાણો પતાણીએ મંગાવ્યો હોવાનું સામે આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે અગાઉ તેની ધરપકડ કરી હતી. માયા સુધી પહોંચ્યા બાદ પોલીસ તપાસનો દોર કથિત સપ્લાયર સુધી પહોંચ્યો હતો. હવે અમિત અને તેના ભાઈ સિકંદરની ધરપકડ બાદ ઓરિસ્સાથી રાજકોટ સુધીના કથિત સપ્લાય નેટવર્કની વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

ભાઈ સિકંદર પણ ગાંજાની હેરાફેરીમાં જોડાયો હોવાનો આક્ષેપ

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, અમિત ઉર્ફે ગોરખો કથિત રીતે મુખ્ય સપ્લાયર તરીકે કામ કરતો હતો અને તેનો ભાઈ સિકંદર ઉર્ફે ઉંદેડો પણ ગાંજાની હેરાફેરીમાં તેની સાથે રહેતો હતો. ઓરિસ્સાથી વાહનમાં ગાંજો ભરાવવાથી લઈને રાજકોટ સુધી જથ્થો પહોંચાડવા દરમિયાન સિકંદર પણ અમિત સાથે રહેતો હોવાની માહિતી પોલીસને મળી હોવાનું જણાવાયું છે.

અમિત સામે અગાઉ સાત ગુના નોંધાયેલા હોવાનો પોલીસનો દાવો

પોલીસ તપાસ મુજબ, અમિત ઉર્ફે ગોરખો સામે અગાઉ ગુજરાતમાં ચોરી, NDPS એક્ટ, સ્ત્રી અત્યાચાર અને જાહેરનામા ભંગ સહિતના પાંચ ગુના, જ્યારે ઓરિસ્સામાં NDPS એક્ટ સહિતના બે ગુના નોંધાયેલા છે. આમ, તેની સામે કુલ સાત ગુના નોંધાયેલા હોવાનું પોલીસનું કહેવું છે.

સપ્લાય નેટવર્ક અને નાણાકીય વ્યવહારોની તપાસ

બંને આરોપીની ધરપકડ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હવે સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે. ઓરિસ્સાથી રાજકોટ સુધીના કથિત સપ્લાય નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંકળાયેલું છે, અગાઉ કેટલી ખેપ રાજકોટ આવી હતી અને ગાંજાના જથ્થાના નાણાકીય વ્યવહારો કેવી રીતે થતા હતા તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]