Get News Alerts

Never miss breaking news updates.

Rajkot : નકલી ચલણી નોટો બજારમાં વટાવવાના કૌભાંડનો પર્દાફાશ, શાકભાજીના વેપારીની કરાઈ ધરપકડ

Rajkot : નકલી ચલણી નોટો છાપી બજારમાં વટાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને નકલી નોટો છાપતા શાકભાજીના વેપારી કિશન સોલંકીની ધરપકડ કરી છે.
Kunjan ShuklaUpdated on: 29 Sep 2026 03:20 PM IST
Rajkot :  નકલી ચલણી નોટો બજારમાં વટાવવાના કૌભાંડનો પર્દાફાશ, શાકભાજીના વેપારીની કરાઈ ધરપકડRajkot :  નકલી ચલણી નોટો બજારમાં વટાવવાના કૌભાંડનો પર્દાફાશ, શાકભાજીના વેપારીની કરાઈ ધરપકડ

Rajkot

Rajkot : રાજકોટમાં નકલી ચલણી નોટો છાપી બજારમાં વટાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને નકલી નોટો છાપતા શાકભાજીના વેપારી કિશન સોલંકીની ધરપકડ કરી છે. આરોપી માડા ડુંગર અને માણાનગર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.

ઝડપી પૈસા કમાવવાની લાલચમાં આ કારસ્તાન રચ્યું

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી કિશન સોલંકીએ પોતાના ઘરે જ પ્રિન્ટર, સ્કેનર અને બટર પેપરની મદદથી ₹100 અને ₹500ના દરની નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. ઝડપી પૈસા કમાવવાની લાલચમાં આરોપીએ સોશિયલ મીડિયા પરથી નકલી નોટ બનાવવાની રીત શીખી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમે આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ₹100ના દરની 216 નકલી નોટો અને ₹500ના દરની 3 નકલી નોટો મળી કુલ ₹23,100ની બોગસ ચલણી નોટો જપ્ત કરી છે. આ ઉપરાંત નકલી નોટો બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, લેમિનેટર, હીટર મશીન અને કાગળ સહિતનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે.

નકલી નોટોનું નેટવર્ક કેટલું મોટું તે મામલે તપાસ શરૂ

DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું કે, આરોપી કિશન સોલંકીએ અગાઉ ₹5,000ની નકલી નોટો અન્ય એક વ્યક્તિને આપી હોવાની કબૂલાત કરી છે. જેના આધારે પોલીસ હવે આ નકલી નોટોનું નેટવર્ક કેટલું મોટું છે અને અન્ય કેટલા લોકો તેની સાથે સંકળાયેલા છે તે અંગે તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પ્રોહિબિશન અને GP Act હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આરોપીએ અત્યાર સુધીમાં કેટલી નકલી નોટો છાપી છે અને તેમાંથી કેટલી નોટો બજારમાં વટાવી છે. આ સમગ્ર મામલે વધુ તપાસ માટે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ રિમાન્ડ દરમિયાન નકલી નોટોના સમગ્ર નેટવર્ક અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Surat : સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, દુબઈથી પરત ફરેલા આરોપીની મુંબઈ એરપોર્ટ પરથી કરી ધરપકડ

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.