Oman Drone Attack: ઓમાન નજીક ભારતીય જહાજ પર ડ્રોન હુમલા બાદ સલાયાના 8 ખલાસીઓ વતન પરત ફર્યા

Oman Drone Attack: ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે સલાયાના MSV QUBA જહાજ પર ડ્રોન હુમલો થયો હતો.
Kunjan Shukal
Kunjan Shukal
Oman Drone AttackOman Drone Attack

Oman Drone Attack

Oman Drone Attack: કચ્છના માંડવી તાલુકાના સલાયા ગામ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓમાન નજીક મધદરિયે ભારતીય જહાજ પર થયેલા ડ્રોન હુમલા બાદ જહાજમાં સવાર ખલાસીઓ પૈકી 8 ખલાસીઓ સુરક્ષિત રીતે પોતાના વતન પરત ફર્યા છે. ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે સલાયાના MSV QUBA જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. આ ઘટનાને પગલે કચ્છના દરિયાઈ વેપાર સાથે સંકળાયેલા પરિવારોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.

11 ખલાસીઓને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા

મળતી માહિતી મુજબ, ઓમાન નજીક મધદરિયે MSV QUBA જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા સમયે જહાજમાં કુલ 13 ખલાસીઓ સવાર હતા. હુમલા બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 11 ખલાસીઓને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. જોકે, આ ઘટનામાં બે ખલાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે ઓમાનના મસ્કત શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના દિવસોથી જ ખલાસીઓના પરિવારજનો તેમના સ્વજનોની સુરક્ષિત વાપસીની રાહ જોઈ રહ્યા હતા. આખરે આજે 8 ખલાસીઓ સલાયા ગામે પોતાના ઘરે પરત ફરતા પરિવારોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ સ્વજનોને સુરક્ષિત જોતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

4 વ્યક્તિઓ હજુ પણ મસ્કત ખાતે રોકાયેલા

બીજી તરફ, જહાજના કેપ્ટન સહિત કુલ 4 વ્યક્તિઓ હજુ પણ મસ્કત ખાતે રોકાયેલા છે. તેઓની વતન વાપસીની રાહ જોવાઈ રહી છે. જ્યારે અન્ય એક ખલાસી ઉત્તર પ્રદેશ ખાતે પોતાના વતન પહોંચી ગયા છે. મધદરિયે થયેલા આ ડ્રોન હુમલાએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર જહાજોની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે. હાલ તમામ ખલાસીઓની સુરક્ષા અને બાકી રહેલા સભ્યોની સલામત વતન વાપસી પર પરિવારોની નજર છે.

આ પણ વાંચો: Surat News: પીપોદરાના મોંગલધામ મંદિરે દર્શને આવેલા શ્રદ્ધાળુના ખિસ્સામાંથી અજાણ્યા ઈસમો રૂપિયા 50,000નું બંડલ સેરવી ગયા