Panchmahal News: હાલોલ નગરપાલિકામાં રૂપિયા 13.40 લાખની ઉચાપતનો આરોપ, કર્મચારી સામે પોલીસ ફરિયાદ

Panchmahal News: લારી-પાથરણા ફીની વસૂલાતમાંથી એકત્રિત થયેલા આશરે રૂપિયા 13.40 લાખ નગરપાલિકાના હિસાબી ખાતામાં જમા ન કરાવી અંગત ઉપયોગમાં લીધા હોવાના આરોપસર નગરપાલિકાના કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે.
Kunjan Shukal
Kunjan Shukal
હાલોલ નગરપાલિકામાં રૂપિયા 13.40 લાખની ઉચાપતનો આરોપહાલોલ નગરપાલિકામાં રૂપિયા 13.40 લાખની ઉચાપતનો આરોપ

હાલોલ નગરપાલિકામાં રૂપિયા 13.40 લાખની ઉચાપતનો આરોપ

Panchmahal News: પંચમહાલ જિલ્લાના હાલોલ નગરપાલિકામાં સરકારી નાણાંની ઉચાપતનો મોટો મામલો સામે આવ્યો છે. લારી-પાથરણા ફીની વસૂલાતમાંથી એકત્રિત થયેલા આશરે રૂપિયા 13.40 લાખ નગરપાલિકાના હિસાબી ખાતામાં જમા ન કરાવી અંગત ઉપયોગમાં લીધા હોવાના આરોપસર નગરપાલિકાના કર્મચારી સુરેશભાઈ વેલજીભાઈ ભરવાડ સામે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

રકમમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલોલ નગરપાલિકામાં લારી-પાથરણા ફીની વસૂલાતની જવાબદારી સંભાળતા કર્મચારી દ્વારા 1 એપ્રિલ, 2026થી 28 ઓક્ટોબર, 2026 દરમિયાન વસૂલ કરવામાં આવેલી રકમમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન 134 રસીદ બુકની કુલ 13,400 રસીદો મારફતે વસૂલવામાં આવેલી અંદાજે રૂપિયા 13.40 લાખની રકમ નગરપાલિકાના હિસાબી ખાતામાં જમા કરાવવામાં આવી નહોતી. ફરિયાદ મુજબ, આ રકમનો અંગત ઉપયોગ કરીને સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી.

ચીફ ઓફિસરે નોટિસ ફટકારી

વસૂલાતની રકમનો હિસાબ રજૂ કરવામાં ન આવતા નગરપાલિકા દ્વારા સંબંધિત કર્મચારી પાસે ચોપડા અને રસીદ બુક જમા કરાવવા જણાવાયું હતું. જોકે, આરોપીએ જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા ન હોવાનો અને ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલી નોટિસનો પણ યોગ્ય જવાબ ન આપ્યો હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર મામલે નગરપાલિકાના કચેરી અધિકારી પ્રવિણભાઈ પારેખ દ્વારા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલોલ ટાઉન પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(5) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નગરપાલિકાની વસૂલાતની રકમમાં થયેલી ગેરરીતિ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Chhotaudepur House Fire: છોટાઉદેપુરના પીપલવાણી ગામે રહેણાક મકાનમાં ભીષણ આગ, આખું ઘર બળીને રાખ