Chhotaudepur House Fire: છોટાઉદેપુરના પીપલવાણી ગામે રહેણાક મકાનમાં ભીષણ આગ, આખું ઘર બળીને રાખ

Chhotaudepur House Fire: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પીપલવાણી ગામે રહેણાક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું મકાન બળીને રાખ થઈ ગયું.
Kunjan Shukal
Kunjan Shukal
છોટાઉદેપુરના પીપલવાણી ગામે રહેણાક મકાનમાં ભીષણ આગછોટાઉદેપુરના પીપલવાણી ગામે રહેણાક મકાનમાં ભીષણ આગ

છોટાઉદેપુરના પીપલવાણી ગામે રહેણાક મકાનમાં ભીષણ આગ

Chhotaudepur House Fire: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પીપલવાણી ગામે રહેણાક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું મકાન બળીને રાખ થઈ ગયું હતું. આ ઘટનાને પગલે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. બીજી તરફ, તાલુકામાં ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું

પ્રાપ્ત માહિતી અનુસાર, પીપલવાણી ગામમાં એક રહેણાક મકાનમાં અચાનક આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સમગ્ર મકાનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આગની ઘટનામાં ઘરવખરી સહિત મકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગને કારણે પરિવારને ભારે નુકસાન થયું છે.

ફાયર ફાઈટરની સુવિધાના અભાવનો મુદ્દો ફરી ચર્ચામાં

આ ઘટનાએ નસવાડી તાલુકામાં ફાયર ફાઈટરની સુવિધાના અભાવનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે. તાલુકામાં આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક પહોંચી શકે તેવી ફાયર ફાઈટર ગાડી ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગની ઘટના બાદ સ્થાનિકોમાં નસવાડી તાલુકામાં ફાયર ફાઇટરની કાયમી સુવિધા ઉપલબ્ધ કરાવવાની માગ ઉઠી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વિકાસના દાવાઓ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. આગ જેવી દુર્ઘટનામાં સમયસર મદદ ન મળે તો લોકોને મોટું નુકસાન સહન કરવું પડે છે. આ ઘટનાએ વહીવટી તંત્રની વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. આગની ઘટનાથી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારની વહારે આદિવાસી આગેવાનો આવ્યા હતા. તેમણે પરિવારને મદદ અને સહકાર આપવાની ખાતરી આપી હતી. હવે સ્થાનિક લોકો દ્વારા તંત્ર સમક્ષ નસવાડી તાલુકામાં ફાયર ફાઈટર ગાડી અને આગ સામે રક્ષણ માટે જરૂરી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની માગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Gandhidham Liquor Raid: ગાંધીધામના મીઠીરોહરમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ, 2,200 લીટર આથો કબજે