Gujarat: RERAનો મોટો નિર્ણય, હવે ઘર ખરીદતા પહેલાં ગ્રાહકો જાણી શકશે બિલ્ડરનો ભૂતકાળ


વેબ પોર્ટલ પર ‘પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ’ નામનો નવો વિભાગ ઉમેરાયો
Gujarat: RERAનો મોટો નિર્ણય, હવે ઘર ખરીદતા પહેલાં ગ્રાહકો જાણી શકશે બિલ્ડરનો ભૂતકાળ


વેબ પોર્ટલ પર ‘પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ’ નામનો નવો વિભાગ ઉમેરાયો
Gujarat: ગુજરાતમાં ઘર કે ફ્લેટ ખરીદવાનું આયોજન કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) દ્વારા ખરીદદારના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પ્રોપર્ટી ખરીદતા પહેલાં બિલ્ડરે અગાઉ કયા પ્રોજેક્ટ્સ બનાવ્યા છે અને તેની સામે કેટલી ફરિયાદો થઈ છે તે સહિતની વિગતો જાણી શકાશે. આ માટે ગુજરાત RERAના વેબ પોર્ટલ પર 'પ્રમોટર્સ ટ્રેક રેકોર્ડ' નામનો નવો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.
બિલ્ડરને કેટલી પેનલ્ટી ફટકારવામાં આવી છે તે પણ જાણી શકાશે
આ નવી સુવિધા હેઠળ રાજ્યના 17,000થી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સના પ્રમોટર્સની વિગતો એક જ ક્લિક પર ઉપલબ્ધ થશે. અત્યાર સુધી ઘર ખરીદનારાઓ માટે બિલ્ડરની અગાઉની કામગીરી અને તેની વિશ્વસનીયતા અંગેની સંપૂર્ણ માહિતી મેળવવી મુશ્કેલ હતી. પરંતુ હવે RERAના પોર્ટલ પર આ માહિતી સરળતાથી મેળવી શકાશે. નવા વિભાગમાં બિલ્ડરે અગાઉ કયા પ્રોજેક્ટ્સનું નિર્માણ કર્યું છે, તેની સામે કઈ ફરિયાદો નોંધાઈ છે, સરકારી નોટિસ આપવામાં આવી છે કે કેમ, કોઈ કાર્યવાહી થઈ છે કે નહીં અને કેટલી પેનલ્ટી ફટકારવામાં આવી છે તેની વિગતો ઉપલબ્ધ રહેશે.
આ નિર્ણયથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધવાની આશા
આ ઉપરાંત, સંબંધિત પ્રોજેક્ટના પ્રોગ્રેસ રિપોર્ટ અને બાંધકામની વર્તમાન સ્થિતિ અંગેની માહિતી પણ પોર્ટલ પર જોઈ શકાશે. નાગરિકો પ્રોજેક્ટના નામ અથવા RERA રજિસ્ટ્રેશન નંબરના આધારે સર્ચ કરીને જરૂરી વિગતો મેળવી શકશે. આ સુવિધા ગુજરાત RERAની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ગુજરાત RERAના આ નિર્ણયથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા વધવાની આશા છે. ખાસ કરીને જીવનભરની બચતથી ઘર ખરીદતા મધ્યમ વર્ગના પરિવારોને બિલ્ડરની વિશ્વસનીયતા ચકાસવામાં મદદ મળશે. હવે માત્ર પ્રોજેક્ટની જાહેરાતો કે આકર્ષક ઓફરો જોઈને નહીં, પરંતુ બિલ્ડરના ભૂતકાળના રેકોર્ડના આધારે પણ ખરીદદારો વધુ સચોટ નિર્ણય લઈ શકશે.




