Ahmedabad Demolition: સારંગપુર સર્કલ પાસે AMCનું ડિમોલિશન, સ્થાનિકોનો વિરોધ, 17થી 20 દુકાનો હટાવવાની કાર્યવાહી

Ahmedabad Demolition: અમદાવાદના સારંગપુર સર્કલ પાસે AMCના ડિમોલિશનનો સ્થાનિક દુકાનદારોએ વિરોધ કર્યો. 17થી 20 કોમર્શિયલ એકમો હટાવવાની કામગીરી સામે વધુ સમયની માગ કરી.
Kunjan Shukal
Kunjan Shukal
સ્થાનિક દુકાનદારો અને નાગરિકોએ કામગીરીનો વિરોધ કર્યોસ્થાનિક દુકાનદારો અને નાગરિકોએ કામગીરીનો વિરોધ કર્યો

સ્થાનિક દુકાનદારો અને નાગરિકોએ કામગીરીનો વિરોધ કર્યો

Ahmedabad Demolition: શહેરના સારંગપુર સર્કલ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવતાં સ્થાનિક દુકાનદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ડિમોલિશન માટે AMCના અધિકારીઓ અને પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જોકે, મોટી સંખ્યામાં એકઠા થયેલા સ્થાનિક દુકાનદારો અને નાગરિકોએ કામગીરીનો વિરોધ કરી ડિમોલિશન અટકાવ્યું હતું.

આ જગ્યાઓ આશરે 40થી 50 વર્ષ પહેલાં ભાડે આપવામાં આવી હતી

મળતી માહિતી અનુસાર, કાલુપુર રેલવે સ્ટેશનના નવા ડેવલપમેન્ટ અને રસ્તાને પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે સારંગપુર સર્કલ નજીક આવેલી અંદાજે 17થી 20 કોમર્શિયલ દુકાનો અને એકમો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. AMC દ્વારા સંબંધિત દુકાનદારોને અગાઉ દુકાનો ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક દુકાનદારોના જણાવ્યા અનુસાર, આ જગ્યાઓ આશરે 40થી 50 વર્ષ પહેલા ભાડે આપવામાં આવી હતી. તેમનો દાવો છે કે AMCની માલિકીના પ્લોટ ભાડે આપવામાં આવ્યા હતા અને લાંબા સમયથી અહીં વેપાર-ધંધો ચાલી રહ્યો છે. અચાનક ડિમોલિશનની કાર્યવાહી સામે તેમણે તંત્ર પાસે વધુ સમય આપવાની માગ કરી હતી.

AMC દ્વારા વધુ પોલીસ બંદોબસ્ત મગાવવામાં આવ્યો

ઘટનાની જાણ થતાં કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલરો પણ સ્થળ પર પહોંચ્યા હતા. કાઉન્સિલરોએ સવાલ ઉઠાવ્યો હતો કે આ મામલે કોર્ટમાં કાર્યવાહી પેન્ડિંગ હોવા છતાં AMC દ્વારા ડિમોલિશનની કામગીરી કેમ કરવામાં આવી રહી છે? તેમણે દુકાનદારોને સાંભળવા અને કાયદાકીય પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા માગ કરી હતી. બીજી તરફ, સ્થળ પર વધતા વિરોધને ધ્યાનમાં રાખીને AMC દ્વારા વધુ પોલીસ બંદોબસ્ત મગાવવામાં આવ્યો હતો. ડિમોલિશનની કામગીરીને લઈને સ્થાનિક દુકાનદારો અને તંત્ર વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. હાલ આ સમગ્ર મામલે સ્થાનિકો વધુ સમય આપવાની માગ કરી રહ્યા છે, જ્યારે રસ્તા પહોળા કરવાની કામગીરીને લઈને AMCની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો: Aravalli News: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાનો ભિલોડા પ્રવાસનો બીજો દિવસ, વિકાસકાર્યોની સમીક્ષા કરી