Navsariના વાંસદામાં દીપડાનો આતંક: આંગણામાં રમતા 3 વર્ષના આરવને ઉઠાવી ગયો, જંગલમાંથી મૃતદેહ મળ્યો



Vansda Leopard Attack
Navsariના વાંસદામાં દીપડાનો આતંક: આંગણામાં રમતા 3 વર્ષના આરવને ઉઠાવી ગયો, જંગલમાંથી મૃતદેહ મળ્યો



Vansda Leopard Attack
Vansda Leopard Attack: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામમાં દીપડાના હુમલાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરના આંગણામાં રમતા ત્રણ વર્ષીય બાળક આરવ અરૂણ પટેલને દીપડો ઉઠાવી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. કલાકોની શોધખોળ બાદ બાળકનો મૃતદેહ ઘરથી આશરે 150 મીટરના અંતરે જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે આરવ અરૂણ પટેલ ઘરના આંગણામાં હતો. આ દરમિયાન દીપડો બાળકને ઉઠાવી જંગલ તરફ લઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વાંસદા પૂર્વ અને પશ્ચિમ વન વિભાગના અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
મશાલ અને લાકડાં સાથે જંગલમાં શોધખોળ
બાળકની શોધ માટે વન વિભાગના અધિકારીઓ અને ગ્રામજનોએ જંગલ વિસ્તારમાં સઘન શોધખોળ શરૂ કરી હતી. ગ્રામજનો હાથમાં મશાલ અને લાકડાં લઈને બાળકની શોધમાં જંગલમાં ઉતર્યા હતા. કલાકોની જહેમત બાદ આરવનો મૃતદેહ જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો.
ઘટનાની ગંભીરતાને પગલે વાંસદા પૂર્વ અને પશ્ચિમ રેન્જના આરએફઓ તેમજ ડીસીએફ કક્ષાના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતદેહને જરૂરી કાર્યવાહી માટે વાંસદા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
દીપડાને પકડવા વન વિભાગની કવાયત
બાળક પર હુમલો કરનાર દીપડાને પકડવા વન વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભીનારના જંગલ વિસ્તારમાં 10થી વધુ પાંજરાં ગોઠવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે પણ સઘન કાર્યવાહી હાથ ધરાઈ છે.
બાળકના પોસ્ટમોર્ટમ બાદ નિયમ મુજબ પરિવારને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે તેમ વન વિભાગે જણાવ્યું છે. ઘટનાને પગલે ભીનાર ગામ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




