નવસારીમાં બાપ્પાને ભાવભીની વિદાયઃ 20 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન, 1898થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત



Navsari Ganesh Visarjan
નવસારીમાં બાપ્પાને ભાવભીની વિદાયઃ 20 હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન, 1898થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત



Navsari Ganesh Visarjan
Navsari Ganesh Visarjan: નવસારી સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા 10 દિવસથી ભક્તિ અને આસ્થાભેર સેવા-પૂજા કરાયેલા વિઘ્નહર્તા શ્રી ગણેશજીને આજે ભારે હૈયે વિદાય આપવામાં આવી રહી છે. સવારથી જ નવસારીના રસ્તાઓ ગુલાલની ડમરીઓ અને 'ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ'ના નારાથી ગુંજી ઊઠ્યા હતા. નવસારી શહેરના વિરાવળ ખાતે આવેલા પૂર્ણા નદીના ઓવારેથી લઈને ધારાગિરી, જલાલપોર અને દાંડીના દરિયા કિનારા સુધી ગણેશ વિસર્જન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ડીજે અને બેન્ડવાજાના તાલે ભક્તો ઉત્સાહભેર વિસર્જન યાત્રામાં જોડાયા હતા. જોકે, બાપ્પાને વિદાય આપતી વેળાએ ભક્તોની આંખોમાં વિરહના આંસુ પણ જોવા મળ્યા હતા.

20 હજારથી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન
નવસારી શહેર સહિત જિલ્લામાં નાની-મોટી મળીને લગભગ 20 હજારથી વધુ ગણેશ પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. વિરાવળના પૂર્ણા નદી કિનારા ઉપરાંત ધારાગિરી, જલાલપોર અને દાંડીના દરિયા કિનારે પણ મોટી સંખ્યામાં ભક્તોએ બાપ્પાની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. બીલીમોરા, ગણદેવી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નદી અને તળાવો ગણપતિમય બન્યા હતા. ભક્તોએ ભારે હૈયે બાપ્પાને જળમાં પધરાવી આગામી વર્ષે વહેલા પધારવા માટે પ્રાર્થના કરી હતી.

ગુલાલ અને જયઘોષથી ગુંજી ઊઠ્યો નવસારી
વિસર્જન યાત્રા દરમિયાન રસ્તાઓ પર ગુલાલની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. ઢોલ-નગારાં, ડીજે અને બેન્ડના તાલે ભક્તો નાચતા-ગાતા બાપ્પાને વિદાય આપી રહ્યા હતા. સમગ્ર માહોલમાં એક તરફ ભક્તિ અને ઉત્સાહ જોવા મળ્યો તો બીજી તરફ બાપ્પાના વિદાયનો ભાવુક માહોલ પણ જોવા મળ્યો હતો. 'ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ'ના નારાઓ સાથે ભક્તોએ શ્રીજીને અંતિમ વિદાય આપી હતી.
1898થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત
ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લામાં 1898થી વધુ પોલીસ જવાનોને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ડ્રોન કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાયબર મોનિટરિંગ દ્વારા પણ સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી, જેથી વિસર્જન યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
ભક્તિ, આસ્થા અને વિરહ સાથે બાપ્પાને વિદાય
દસ દિવસની અવિરત ભક્તિ, આરતીના મધુર સૂર અને ગણેશ મંડપોમાં રેલાયેલી આસ્થા બાદ આજે નવસારી જિલ્લો બાપ્પાની વિદાયની લાગણીસભર ક્ષણનો સાક્ષી બન્યો હતો. ભક્તોએ શ્રદ્ધા અને ભાવના સાથે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરી આગામી વર્ષે ફરી પધારવાની પ્રાર્થના કરી હતી.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





