Navsari News : નવસારીમાં નશાની હાલતમાં કારના ચાલકે સર્જયો હિટ એન્ડ રન, બે બાઈકને ટક્કર મારી ભાગતા લોકોએ ઝડપી પોલીસ હવાલે કર્યો



Navsari Hit And Run
Navsari News : નવસારીમાં નશાની હાલતમાં કારના ચાલકે સર્જયો હિટ એન્ડ રન, બે બાઈકને ટક્કર મારી ભાગતા લોકોએ ઝડપી પોલીસ હવાલે કર્યો



Navsari Hit And Run
Navsari News : કારની ટક્કરથી બંને બાઈકચાલકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ કારચાલકે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિકોએ તેને પકડી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, તીધારા જકાતનાકા વિસ્તારમાં મોડી રાત્રે એક કારચાલક ખૂબ જ ઝડપે કાર હંકારી રહ્યો હતો.
આ દરમિયાન કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલી બે બાઈકને ટક્કર મારી હતી. અચાનક થયેલા અકસ્માતને પગલે બંને બાઈકચાલકો રસ્તા પર પટકાયા હતા અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
નવસારી પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો
અકસ્માત બાદ કારચાલકે સ્થળ પર રોકાવાને બદલે ત્યાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અકસ્માતની ઘટના જોઈ રહેલા સ્થાનિકોએ તાત્કાલિક કારચાલકને પકડી લીધો હતો. ત્યારબાદ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કારચાલકને કબજામાં લીધો હતો. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.
અકસ્માત સમયે કારચાલક નશાની હાલતમાં હતો કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કારચાલક નશાની હાલતમાં હોવાનું અનુમાન છે, જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ પોલીસની તપાસ બાદ જ થઈ શકશે. આ ઘટનાએ નવસારી શહેરમાં બેફામ ઝડપે અને સંભવિત નશાની હાલતમાં વાહન ચલાવવાના મામલે ફરી ચિંતા ઉભી કરી છે. ખાસ કરીને મોડી રાત્રે કેટલાક વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોની અવગણના કરવામાં આવતી હોવાના કારણે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે.
લોકોએ કારના ચાલકને ઝડપી પાડયો છે
મહત્વની વાત એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં નવસારીમાં નશાની હાલતમાં અને બેફામ ઝડપે વાહન હંકારી લોકોના જીવ જોખમમાં મૂકવાની આ ત્રીજી ઘટના હોવાનું સામે આવ્યું છે. અગાઉ બનેલી એક અકસ્માતની ઘટનામાં એક આધેડ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
હવે પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનામાં કારચાલકની ભૂમિકા, વાહનની ઝડપ અને અકસ્માત સમયે તેની સ્થિતિ અંગે તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ નશામાં ડ્રાઇવિંગ થયું હતું કે નહીં તે અંગે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. નવસારીમાં વારંવાર સામે આવી રહેલી આવી ઘટનાઓને પગલે બેફામ ડ્રાઇવિંગ અને નશામાં વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી રહી છે.

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




