Morari Bapu: મોરારીબાપુની નવા વર્ષની શુભેચ્છા: ‘આ નવા વર્ષે વિશ્વમાંથી સંઘર્ષ દૂર થાય, યુદ્ધો શમે અને સંવાદનું વાતાવરણ સર્જાય’

Morari Bapu: મોરારીબાપુએ દિવાળી અને નવા વર્ષમાં વિશ્વમાંથી સંઘર્ષ દૂર થાય, યુદ્ધો શમે અને માનવજાતમાં શાંતિ, સંવાદ તથા પરસ્પર સ્વીકારની ભાવના વધે તેવી પ્રાર્થના કરી.
Nancy Shukla
Morari Bapu: મોરારીબાપુએ નૂતન વર્ષ નિમિત્તે વિશ્વશાંતિની પ્રાર્થના કરીMorari Bapu: મોરારીબાપુએ નૂતન વર્ષ નિમિત્તે વિશ્વશાંતિની પ્રાર્થના કરી

Morari Bapu: મોરારીબાપુએ નૂતન વર્ષ નિમિત્તે વિશ્વશાંતિની પ્રાર્થના કરી

Morari Bapu: દિવાળી અને નૂતન વર્ષના પાવન અવસરે કથાકાર મોરારીબાપુએ સૌને શુભેચ્છાઓ પાઠવી છે. ચિત્રકૂટધામ તલગાજરડાથી સંદેશ આપતાં તેમને પ્રાર્થના કરી કે નવા વર્ષમાં સમગ્ર વિશ્વમાંથી સંઘર્ષ દૂર થાય, યુદ્ધો શાંત થાય અને દેશો તથા લોકો વચ્ચે પરસ્પર સંવાદનું વાતાવરણ ઊભું થાય.

મોરારીબાપુએ પોતાના સંદેશની શરૂઆત ઉપનિષદની પ્રાર્થના ‘અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતં ગમય’ના ભાવાર્થથી કરી હતી. તેમને કહ્યું કે દિવાળી અને નૂતન વર્ષનો સંદેશ અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવાનો છે. અંધકારનો અર્થ માત્ર અજ્ઞાન જ નહીં, પરંતુ મોહ અને અહંકાર પણ છે. આ આસુરી તત્ત્વોમાંથી બહાર આવીને વિવેક, જ્ઞાન, સત્ય, પ્રેમ, સમર્પણ અને કરુણા જેવા શાશ્વત મૂલ્યો તરફ આગળ વધવાની જરૂર છે.

‘સ્વીકાર એ મહામંત્ર છે’: મોરારીબાપુ

મોરારીબાપુએ કહ્યું કે નવા વર્ષમાં દુનિયામાં પરસ્પર સ્વીકારની ભાવના વધે તે જરૂરી છે. કોઈપણ પ્રકારના ભેદભાવ વિના એકબીજાનો સ્વીકાર કરવો જોઈએ. તેમને કહ્યું કે ‘સ્વીકાર એ મહામંત્ર છે.’ હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના છે કે નવા વર્ષના પ્રારંભ સાથે આ ભાવના સૌના જીવનમાં વિશેષરૂપે પ્રગટે.

‘યુદ્ધ નહીં, બુદ્ધ બનવાનો સંકલ્પ કરીએ’: મોરારીબાપુ

ભગવદ્ ગીતાના સંદર્ભમાં મોરારીબાપુએ ભગવાન શ્રીકૃષ્ણના ‘યુદ્ધાય કૃતનિશ્ચય’ના સંદેશનો ઉલ્લેખ કર્યો હતો. તેમને કહ્યું કે એ વાક્ય તે સમય, સ્થળ અને સંજોગોને ધ્યાનમાં રાખીને કહેવાયું હતું. પરંતુ જો આજે ભગવાન શ્રીકૃષ્ણ ફરી પ્રગટે અને તેમને કોઈ અર્જુન મળે, તો કદાચ તેઓ ‘યુદ્ધાય કૃતનિશ્ચય’ના બદલે ‘બુદ્ધાય કૃતનિશ્ચય’નો સંદેશ આપે. એટલે કે યુદ્ધ કરવાને બદલે બુદ્ધ બનવાનો, શાંતિ અને સમજણનો માર્ગ અપનાવવાનો સંકલ્પ કરીએ.

અંતમાં મોરારીબાપુએ ચેનલના દર્શકો, શ્રોતાઓ અને વાચકોને દિવાળી તથા નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌને ખુશ રહેવાના આશીર્વાદ આપ્યા હતા. તેમણે સંદેશનો અંત ‘જય સીયારામ’ના જયઘોષ સાથે કર્યો હતો.

આ પણ વાંચો: Bhadra Festival 2026: 12 વર્ષ બાદ અમદાવાદના ભદ્રમાં 'ક્રાફ્ટ ઓફ આર્ટ' ફેસ્ટિવલનું પુનરાગમન