Navsari SMC Raid: નવસારીમાં SMCની મોટી કાર્યવાહી, 4,224 દારૂની બોટલ સહિત રૂપિયા 21.84 લાખનો મુદ્દામાલ જપ્ત


Navsari SMC Raid News
Navsari SMC Raid: નવસારીમાં SMCની મોટી કાર્યવાહી, 4,224 દારૂની બોટલ સહિત રૂપિયા 21.84 લાખનો મુદ્દામાલ જપ્ત


Navsari SMC Raid News
Navsari SMC Raid: ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશનની હદમાં ખારેલ નજીક નવા એક્સપ્રેસ-વે ટોલનાકા પાસેથી વિદેશી દારૂ અને બીયર ભરેલાં વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આઠ શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે.
4,224 બોટલ જપ્ત કરી
મળતી માહિતી મુજબ, SMCની ટીમે બાતમીના આધારે ખારેલ નજીક નવા એક્સપ્રેસ-વે ટોલનાકા પાસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 120 પેટીઓમાં ભરેલી 4,224 બોટલ જપ્ત કરી હતી. આ દારૂ અને બીયરના જથ્થાની કિંમત રૂપિયા 13,28,976 હોવાનું જાણવા મળ્યું છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા બે વાહનો, ચાર મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરી હતી. આમ, દારૂ સહિત કુલ રૂપિયા 21,84,476નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
8 શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા
આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના બાડમેરના વતની અને હાલ વલસાડમાં રહેતા અચલારામ મનમોડા તથા મોહન બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ દમણ, સુરત અને વલસાડ સાથે સંકળાયેલા અન્ય આઠ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમની સંડોવણી અંગે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલે ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. SMCની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા નેટવર્કમાં ફફડાટ ફેલાયો છે.





