Gujarat Forest Staff Strike: વન કર્મચારીઓની હડતાળ સમેટાવાની શક્યતા, વન મંત્રી સાથેની બેઠકમાં મોટાભાગના મુદ્દાઓ ઉકેલાયા


Gujarat Forest Staff Strike News
Gujarat Forest Staff Strike: વન કર્મચારીઓની હડતાળ સમેટાવાની શક્યતા, વન મંત્રી સાથેની બેઠકમાં મોટાભાગના મુદ્દાઓ ઉકેલાયા


Gujarat Forest Staff Strike News
Gujarat Forest Staff Strike: ગુજરાતમાં વન રક્ષક સહિતના વન કર્મચારીઓની હડતાળના સાતમા દિવસે મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. વન કર્મચારીઓના પ્રતિનિધિઓ અને વન મંત્રી અર્જુન મોઢવાડિયા વચ્ચે યોજાયેલી બેઠક પૂર્ણ થઈ છે. યુનિયનના દાવા મુજબ બેઠકમાં સુખદ વાતાવરણમાં ચર્ચા થઈ હતી અને કર્મચારીઓની મોટાભાગની માગણીઓ અંગે સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકાર સાથેની ચર્ચા હકારાત્મક રહી
મળતી માહિતી મુજબ, બેઠક દરમિયાન રિસ્ક એલાઉન્સ, મહેકમ અને યુનિફોર્મ સહિતના મુદ્દાઓનું નિરાકરણ આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, બે મહત્વપૂર્ણ મુદ્દાઓ હજુ નાણા વિભાગ સમક્ષ પેન્ડિંગ હોવાનું જણાવાયું છે. આ મુદ્દાઓ અંગે અંતિમ નિર્ણય આવ્યા બાદ જ હડતાળ સમેટવા અંગે સ્પષ્ટતા કરવામાં આવશે. હડતાળના સાતમા દિવસે યોજાયેલી આ બેઠકને કર્મચારીઓની માગણીઓના નિરાકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. કર્મચારી સંગઠનના પ્રતિનિધિઓના જણાવ્યા પ્રમાણે, સરકાર સાથેની ચર્ચા હકારાત્મક રહી છે અને બાકી રહેલા મુદ્દાઓના ઉકેલ માટે પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.
હડતાળ સમેટવા અંગેની અંતિમ જાહેરાત આવતીકાલે કરવામાં આવશે
બીજી તરફ, હડતાળ સમેટવા અંગેની અંતિમ જાહેરાત આવતીકાલે કરવામાં આવશે. યુનિયન દ્વારા હડતાળ પૂર્ણ કરવાની શરતો, તેના કારણો અને સરકાર સાથે થયેલી સમજૂતી અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. કેટલીક વહીવટી પ્રક્રિયાઓ હજુ બાકી હોવાથી તાત્કાલિક જાહેરાત કરવામાં આવી નથી. વન કર્મચારીઓની હડતાળને કારણે વન વિભાગની કામગીરી પર અસર થવાની શક્યતા વચ્ચે હવે સૌની નજર આવતીકાલે થનારી યુનિયનની જાહેરાત પર છે. જો બાકી રહેલા બે મુદ્દાઓનો ઉકેલ આવે અને સમજૂતીની શરતો નક્કી થાય તો હડતાળનો અંત આવી શકે છે. જોકે, હડતાળ સમેટાઈ હોવાની સત્તાવાર પુષ્ટિ યુનિયનની જાહેરાત બાદ જ થશે.





