Bhadra Festival 2026: 12 વર્ષ બાદ અમદાવાદના ભદ્રમાં 'ક્રાફ્ટ ઓફ આર્ટ' ફેસ્ટિવલનું પુનરાગમન


Ahmedabad Bhadra Craft of Art
Bhadra Festival 2026: 12 વર્ષ બાદ અમદાવાદના ભદ્રમાં 'ક્રાફ્ટ ઓફ આર્ટ' ફેસ્ટિવલનું પુનરાગમન


Ahmedabad Bhadra Craft of Art
Bhadra Festival 2026: અમદાવાદના ઐતિહાસિક વારસા અને સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરવા માટે 12 વર્ષ બાદ ફરી એકવાર ભદ્ર વિસ્તારમાં ‘ભદ્ર ફેસ્ટિવલ’નું આયોજન થવા જઈ રહ્યું છે. વર્લ્ડ હેરિટેજ સપ્તાહ નિમિત્તે ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સહયોગથી બે વિશેષ કાર્યક્રમો યોજાશે. જેમાં 19 નવેમ્બરે ભદ્ર ફેસ્ટિવલ અને 25 નવેમ્બરે વોટર હેરિટેજ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે.
19 નવેમ્બરે યોજાશે કાર્યક્રમ
વર્ષ 2014માં પ્રથમ વખત યોજાયેલા ભદ્ર ફેસ્ટિવલનું આ વર્ષે પુનરાગમન થઈ રહ્યું છે. 19 નવેમ્બરે સાંજે 4 વાગ્યાથી શરૂ થનારા આ ફેસ્ટિવલના કાર્યક્રમો ભદ્ર કિલ્લો, પ્રેમાભાઈ હોલ પરિસર અને ભદ્ર પ્લાઝા ખાતે યોજાશે. સાંજે 7:15 વાગ્યે ત્રણ દરવાજા ખાતે વિશેષ સંગીત સમારોહ યોજાશે. ફેસ્ટિવલમાં નગારા વાદન, રાવણહથ્થો, સિદી ધમાલ, મલ્લખંબ, નાટ્યસંગીત, કઠપૂતળીની પરેડ, દાસ્તાનગોઈ અને ગુજરાતી કથાપ્રસ્તુતિ જેવી વિવિધ કલારજૂઆતો જોવા મળશે. આ ઉપરાંત ભદ્રના ઇતિહાસને ઉજાગર કરતાં ઐતિહાસિક તસવીરો, ગુજરાતી રંગભૂમિ અને ભદ્ર વિસ્તારનાં ફોટોગ્રાફ્સનાં પ્રદર્શનો પણ યોજાશે. ભદ્ર કિલ્લા પર પ્રોજેક્શન મેપિંગ અને આધુનિક કાઇનેટિક આર્ટ ઇન્સ્ટોલેશન આકર્ષણનું કેન્દ્ર બનશે.
જાણીતા કલાકારો સંગીતની રજૂઆત કરશે
ત્રણ દરવાજા ખાતે ઉસ્તાદ ફઝલ કુરેશી અને ઉસ્તાદ શુજાત ખાન સહિતના જાણીતા કલાકારો સંગીતની રજૂઆત કરશે. બીજી તરફ, 25 નવેમ્બરે યોજાનારી ‘વોટર હેરિટેજ સિરીઝ’માં અમદાવાદની ત્રણ ઐતિહાસિક વાવ ખાતે કાર્યક્રમો યોજાશે. જેઠાભાઈની વાવમાં સવારે 6:30 વાગ્યે પંડિત જયતીર્થ મેવુન્ડીનું શાસ્ત્રીય ગાયન, અમૃતવર્ષિણી વાવમાં સવારે 11 વાગ્યે કાવ્યપાઠ અને નૃત્ય, જ્યારે દાદા હરીરની વાવમાં સાંજે 7 વાગ્યે સંગીત સમારોહ યોજાશે.
બંને કાર્યક્રમોમાં પ્રવેશ નિઃશુલ્ક રહેશે. જોકે, ભદ્ર કિલ્લા, ત્રણ દરવાજા અને ત્રણેય વાવના કાર્યક્રમો માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. આ આયોજનનો હેતુ અમદાવાદના ઐતિહાસિક વારસા અને ભારતીય કલા-સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે.





