Salim Ismail Dola: આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા સલીમ ઈસ્માઈલ ડોલા ગુજરાત ATSના સકંજામાં! તુર્કીથી ગુજરાત લવાયો

Salim Ismail Dola: આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા અને લાંબા સમયથી વોન્ટેડ આરોપી સલીમ ઇસ્માઇલ ડોલાને ગુજરાત ATSએ પોતાની કસ્ટડીમાં લીધો છે.
Kunjan Shukla
Salim Ismail Dola Gujarat ATSSalim Ismail Dola Gujarat ATS

Salim Ismail Dola Gujarat ATS

Salim Ismail Dola: ગુજરાતમાં કરોડો રૂપિયાના MD ડ્રગ્સના કાળા કારોબારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા અને લાંબા સમયથી વોન્ટેડ આરોપી સલીમ ઇસ્માઇલ ડોલાને ગુજરાત ATSએ પોતાની કસ્ટડીમાં લીધો છે. ઇન્ટરપોલ મારફતે રેડ કોર્નર નોટિસ જારી કરાવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત ATSએ સલીમ ઈસ્માઈલ ડોલાને કસ્ટડીમાં લીધો

આખરે 31 ઓક્ટોબર 2026ના રોજ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને ગુજરાત ATSએ તેને કસ્ટડીમાં લીધો છે. વડોદરાના સિંધરોટમાં ઝડપાયેલી 438 કરોડ રૂપિયાથી વધુની MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરીના કેસમાં સલીમ ડોલાની ભૂમિકા સામે આવી હતી. એટલું જ નહીં, તપાસમાં તેના અંડરવર્લ્ડ ડોન ઈકબાલ મિર્ચી સાથેના જૂના સંબંધો અને વિદેશ સુધી ફેલાયેલા ડ્રગ્સ નેટવર્ક અંગે પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે.

View post on Instagram

આ કેસમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરાઈ હતી

વાત છે 1 ડિસેમ્બર 2022ની, જ્યારે ગુજરાત ATSએ વડોદરા જિલ્લાના સિંધરોટ ગામમાં આવેલી એક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન MD ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો.

ATSએ સ્થળ પરથી 87.728 કિલોગ્રામ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત અંદાજે 438.64 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ કેસમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ATS પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 22(C) અને 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસની તપાસ દરમિયાન તપાસ અધિકારી પોલીસ ઈન્સ્પેક્ટર બી.એચ. કોરોટે એક મહત્વપૂર્ણ કડી શોધી કાઢી હતી. ઝડપાયેલા આરોપી સૌમિલ પાઠકનો જેલવાસ દરમિયાન મુંબઈના સલીમ ઇસ્માઇલ ડોલા સાથે સંપર્ક થયો હોવાનું સામે આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય કનેક્શન સુધીની વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા

તપાસમાં ખુલાસો થયો હતો કે સૌમિલ પાઠક અને સલીમ ડોલા MD જેવા નશીલા પદાર્થોના ગેરકાયદે ઉત્પાદન અને વેચાણની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. સિંધરોટની ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવેલું MD ડ્રગ્સ મુંબઈમાં સલીમ ડોલાના સાગરીત અયમાન મૂસા શેખ ઉર્ફે અયાન ખાન સુધી પહોંચાડવામાં આવતું હોવાની વિગતો પણ સામે આવી હતી. હવે સિંધરોટ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં સલીમ ડોલાની સઘન પૂછપરછ કરવામાં આવશે. આ પૂછપરછમાં ડ્રગ્સના ઉત્પાદનથી લઈને સપ્લાય ચેઈન, નાણાકીય વ્યવહારો અને આંતરરાષ્ટ્રીય કનેક્શન સુધીની વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

ઈકબાલ મિર્ચી સાથે પણ જૂનું કનેક્શન! સલીમ ડોલા અંગે તપાસમાં સામે આવેલી બીજી એક મહત્વપૂર્ણ બાબત તેના અંડરવર્લ્ડ ડોન ઇકબાલ મિર્ચી સાથેના કથિત જૂના સંબંધોની છે. મળેલી ગુપ્તચર માહિતી મુજબ, 1990ના દાયકામાં જ્યારે ઈકબાલ મિર્ચી આંતરરાષ્ટ્રીય સ્તરે મેન્ડ્રેક્સ ડ્રગ્સના ગેરકાયદે વેપારમાં સંકળાયેલો હતો, ત્યારે સલીમ ડોલા તેના માટે ડ્રગ્સની હેરફેર કરતો હોવાની વિગતો સામે આવી છે. ત્યારબાદ સલીમ ડોલા અને તેના સાગરીતોએ ભારત તથા વિદેશમાં ડ્રગ્સની હેરફેર માટે આંતરરાષ્ટ્રીય નેટવર્ક ઊભું કર્યું હોવાની માહિતી મળી હતી.

ડમી કંપનીઓ ઊભી કરવામાં આવતી હોવાની પણ ગુપ્તચર માહિતી

આ નેટવર્ક દ્વારા કાયદેસર રીતે નિકાસ કરવામાં આવતા માલસામાનના કન્ટેનરમાં નશીલા પદાર્થો છુપાવીને વિદેશમાં મોકલવામાં આવતા હતા. ડ્રગ્સ પહોંચાડવાના દેશોમાં ડમી કંપનીઓ ઊભી કરવામાં આવતી હોવાની પણ ગુપ્તચર માહિતી સામે આવી છે. સાથે જ સલીમ ડોલા ભારતીય ઓળખનો ઉપયોગ કરીને સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં રહેતો હોવાની માહિતી પણ તપાસ એજન્સીઓને મળી હતી.

આ પણ વાંચો: Jamnagar Food Raid: દિવાળી પહેલા જામનગરમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 324 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીલ