Mehsana News : ભાન્ડુમાં ‘હાલો ભેરુ ગામડે’ કેમ્પ યોજાયો, 600થી વધુ બાળકોએ માણી ગ્રામ્ય સંસ્કૃતિની મજા

Mehsana News : મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે ‘હાલો ભેરુ ગામડે’ વિન્ટર કેમ્પનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.
Vivek Shah
Vivek Shah
Mehsana News હાલ ભેરૂ ગામડે કેમ્પ આયોજનMehsana News હાલ ભેરૂ ગામડે કેમ્પ આયોજન

Mehsana News હાલ ભેરૂ ગામડે કેમ્પ આયોજન

Mehsana News : નવી પેઢીને પોતાની વતનની માટી, સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ ત્રિદિવસીય કેમ્પમાં 600થી વધુ બાળકો અને કિશોરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મહાનગરોમાંથી આવેલા બાળકોએ મોબાઈલ અને ટેકનોલોજીની દુનિયાથી દૂર રહીને ગ્રામીણ જીવનશૈલીનો અનોખો અનુભવ કર્યો હતો.

ઉત્તર ગુજરાતનાં ભાન્ડુ, બાલીસણા, વાલમ, સંડેર અને મણુદ એમ પાંચ ગામોના લેઉવા પાટીદાર સમાજ દ્વારા સંયુક્ત રીતે આ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં બાળકોને ગામડાની જૂની પરંપરાઓ, રહેણીકરણી અને ખેતીના વારસા સાથે પરિચિત કરાવવા માટે ભાન્ડુ ગામમાં ખાસ ગ્રામ્ય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.

બાળકો ભાન્ડુમાં ગામડાની સંસ્કૃતિના રંગે રંગાયા

કેમ્પ દરમિયાન બાળકોએ ઘોડેસવારી, ઊંટસવારી અને ટ્રેક્ટરની સફરનો આનંદ માણ્યો હતો. સાથે જ હળ, ખપો, રાંપ, સુંડલો, ચાયણો, ઘોડી અને પરણી જેવા પરંપરાગત ખેતીનાં સાધનો વિશે પ્રત્યક્ષ નિદર્શન સાથે માહિતી આપવામાં આવી હતી. જૂના સમયનાં મકાનો, રસોડાનાં વાસણો, વલોણું, ઘંટી, કૂવો અને ગામના ચોરા જેવી વ્યવસ્થાઓ દ્વારા બાળકોને વડવાઓની જીવનશૈલી અને સામાજિક વ્યવસ્થાનો પરિચય કરાવવામાં આવ્યો હતો.

આજના સમયમાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ અને ટીવી પાછળ પસાર થાય છે. ત્યારે આ કેમ્પમાં ગિલોલ, લખોટી, ગોફણ, રસ્સાખેંચ, છાપા અને મોય-દંડો જેવી પરંપરાગત રમતો રમાડવામાં આવી હતી. આ રમતો દ્વારા બાળકોને શારીરિક પ્રવૃત્તિ સાથે સમૂહમાં રમવાનો અને એકબીજા સાથે જોડાવાનો અનુભવ મળ્યો હતો.

ગામડામાં રહ્યા બાળકો, ગ્રામીણ જીવનનો લીધો અનુભવ

આયોજન સમિતિના સભ્ય કેતનભાઈ પટેલે જણાવ્યું હતું કે વિસરાતી જતી સંસ્કૃતિને જીવંત રાખવા દર વર્ષે દિવાળી વેકેશન દરમિયાન આ કેમ્પ યોજવામાં આવે છે. આ વર્ષે ભાન્ડુ ગામના યજમાનપદે અંદાજે 300 યુવાનોની ટીમે ગ્રામજનોના સહયોગથી સમગ્ર આયોજન સંભાળ્યું હતું. બાળકોને સગા-સંબંધીઓ સાથે હળીમળીને રહેવા અને ગ્રામીણ જીવનનાં મૂલ્યો સમજવાનો અવસર મળ્યો હતો. કેમ્પમાં ભાગ લેનાર મણુદ ગામની જ્ઞાની વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે ત્રણ દિવસનો અનુભવ તેમના માટે યાદગાર રહ્યો.

ગ્રામજનોના ઘરે રાત્રિ રોકાણ દરમિયાન મળેલી આત્મીયતા, દેશી ભોજન, પરંપરાગત રમતો અને આંબાવાડીમાં પતરાળામાં પીરસાયેલું વનભોજન તેમને ખૂબ ગમ્યું હતું. સાંજે યોજાયેલા મેળાએ પણ ગામડાની સંસ્કૃતિની અનોખી ઓળખ કરાવી હતી. કેમ્પના અંતિમ દિવસે બાળકોને પોતાની માટી અને સંસ્કારો સાથે હંમેશાં જોડાયેલા રહેવાનો સંદેશ આપી ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આમ, ‘હાલો ભેરુ ગામડે’ કેમ્પે નવી પેઢીને ગ્રામીણ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પરંપરાગત જીવનશૈલી સાથે જોડવાનો પ્રેરણાદાયી પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો : Jamnagar Crime News : કાર આંતરી લોખંડના પાઇપથી ફરિયાદી પર હુમલો કર્યો, સાત આરોપી પોલીસના સકંજામાં