Mehsana News: ધોળા દિવસે પરિણીતાનું અપહરણ, ત્રણ ગાડીના ચાલક સહિત છ સામે ફરિયાદ

Mehsana News: મહેસાણાના છઠીયારડા ગામે પ્રેમલગ્ન કરનાર પરિણીતાનું ઘરમાંથી અપહરણ કરાયું. ત્રણ ગાડીના ચાલક સહિત છ સામે ફરિયાદ નોંધાઈ.
Kunjan Shukal
Kunjan Shukal
પરિણીતાનું ધોળા દિવસે કરાયું અપહરણપરિણીતાનું ધોળા દિવસે કરાયું અપહરણ

પરિણીતાનું ધોળા દિવસે કરાયું અપહરણ

Mehsana News: મહેસાણા તાલુકાના છઠીયારડા ગામમાં ધોળા દિવસે પરિણીતાનું અપહરણ કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના ઘરમાંથી જ ઢસડીને અપહરણ કરી જવાની ઘટના સામે આવી છે. મોઢે રૂમાલ બાંધેલા શખ્સે ઘરમાં પ્રવેશ કરી યુવતીનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ધોળા દિવસે કેટલાક શખ્સો ગાડીઓ લઈને યુવતીના ઘરે પહોંચ્યા

મળતી માહિતી મુજબ, છઠીયારડા ગામે રહેતી એક પરિણીતાએ પ્રેમલગ્ન કર્યા હતા. દરમિયાન ધોળા દિવસે કેટલાક શખ્સો ગાડીઓ લઈને યુવતીના ઘરે પહોંચ્યા હતા. તેમાંથી મોઢે રૂમાલ બાંધેલા એક શખ્સે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને યુવતીને બળજબરીપૂર્વક બહાર ઢસડી અપહરણ કરી લીધી હતી.

યુવતીની સાસુએ અપહરણકારોને રોકવાનો પ્રયાસ કર્યો

આ દરમિયાન યુવતીની સાસુએ અપહરણકારોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, યુવતીને છોડાવવા વચ્ચે પડેલી સાસુને શખ્સે ધારીયું બતાવી ધમકી આપી હતી. જેથી તેઓ વધુ વિરોધ કરી શક્યા નહોતા. ત્યારબાદ આરોપીઓ યુવતીને સફેદ રંગની અર્ટીગા કારમાં બેસાડી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં ત્રણ ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. ધોળા દિવસે ઘરમાં ઘૂસીને પરિણીતાનું અપહરણ કરવામાં આવતાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે.

6 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી

આ મામલે ત્રણ ગાડીના ચાલકો સહિત કુલ 6 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપીઓની ઓળખ, અપહરણ પાછળનું કારણ અને પરિણીતાનું સુરક્ષિત લોકેશન શોધવા સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. હવે પોલીસ તપાસમાં આ સમગ્ર ઘટનાના વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Surat News: વરાછામાં નબીરાઓની સ્ટંટબાજી, ટ્રિપલ સવારીમાં ઊંધા બેસી બનાવી રીલ્સ!