Mahisagar: વિજ્ઞાન નાટક મહોત્સવમાં ગુજરાતની મોટી સિદ્ધિ, મહીસાગરની ટીમ પશ્ચિમ ઝોનમાં દ્વિતીય સ્થાને વિજેતા

Mahisagar: રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવમાં મહીસાગરની ટીમે પશ્ચિમ ઝોનમાં બીજું સ્થાન મેળવ્યું છે. હવે ટીમ કોલકાતામાં રાષ્ટ્રીય ગ્રાન્ડ ફિનાલેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
Nancy Shukal
Nancy Shukal
વિજ્ઞાન નાટક મહોત્સવમાં મહીસાગરની ટીમ પશ્ચિમ ઝોનમાં દ્વિતીય સ્થાને વિજેતાવિજ્ઞાન નાટક મહોત્સવમાં મહીસાગરની ટીમ પશ્ચિમ ઝોનમાં દ્વિતીય સ્થાને વિજેતા

વિજ્ઞાન નાટક મહોત્સવમાં મહીસાગરની ટીમ પશ્ચિમ ઝોનમાં દ્વિતીય સ્થાને વિજેતા

Mahisagar: ગુજરાતના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) 2026-27માં રાજ્યનું ગૌરવ વધાર્યું છે. મહીસાગર જિલ્લાની ટીમે પશ્ચિમ ઝોનલ સાયન્સ ડ્રામા સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા સાથે જ ટીમે રાષ્ટ્રીય કક્ષાની ગ્રાન્ડ ફિનાલેમાં સ્થાન મેળવ્યું છે. હવે 6 જાન્યુઆરી, 2027ના રોજ કોલકાતાની સાયન્સ સિટીમાં યોજાનારી સ્પર્ધામાં મહીસાગરની ટીમ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીએ પાઠવી શુભેચ્છા

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, તર્કશક્તિ અને સર્જનાત્મકતા વિકસાવવાના હેતુથી રાજ્યકક્ષા વિજ્ઞાન નાટક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળની નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM) સાથે સંકલન કરીને આ મહોત્સવ યોજાયો હતો.

રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ મહીસાગરની વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આ સાથે જ આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે ટીમને શુભેચ્છાઓ આપી હતી.

પશ્ચિમ ઝોનમાં મહીસાગરની ટીમે મેળવ્યું બીજું સ્થાન

27 નવેમ્બર, 2026ના રોજ મુંબઈના નેહરુ સાયન્સ સેન્ટર ખાતે પશ્ચિમ ઝોનલ સાયન્સ ડ્રામા સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી મહીસાગરની ટીમે સમગ્ર પશ્ચિમ ઝોનમાં બીજું સ્થાન મેળવ્યું હતું. ટીમની આ સફળતા પાછળ રાજ્યકક્ષાની સ્પર્ધા બાદ આપવામાં આવેલી વિશેષ તાલીમ અને મેન્ટરશિપનું યોગદાન રહ્યું છે.

Mahisagar 1.webp

મહીસાગર જિલ્લાની ક્રિસ્ટલ ઈન્ટરનેશનલ સ્કૂલ અને ક્રિસ્ટલ સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ 'આધુનિક યુગની અંધશ્રદ્ધા' નામનું નાટક રજૂ કર્યું હતું. આ નાટકને રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મળ્યું હતું. ત્યારબાદ આ ટીમને પશ્ચિમ ઝોનલ સ્પર્ધા માટે તૈયાર કરવામાં આવી હતી.

રાજ્યભરમાંથી 326 નાટકોની રજૂઆત

જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન 23 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર, 2026 દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં લોક વિજ્ઞાન કેન્દ્રો (CSC)ના માધ્યમથી કરવામાં આવ્યું હતું. ધોરણ 6થી 10ના વિદ્યાર્થીઓએ 'વિજ્ઞાન અને સમાજ' (Science & Society) વિષય પર આશરે 326 નાટકો રજૂ કર્યાં હતાં. દરેક જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવનારી ટીમોને રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી હતી.

ત્યારબાદ 14 અને 15 ઓક્ટોબર, 2026ના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે બે દિવસીય રાજ્યકક્ષાના વિજ્ઞાન નાટક મહોત્સવનું આયોજન થયું હતું. તેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓની 31 ટીમોએ ભાગ લીધો હતો.

વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા કલા અને રંગભૂમિ ક્ષેત્રના અગ્રણીઓ પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી, સંજય ગોરડિયા, વિરલ રાચ્છ અને ભરત યાજ્ઞિક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાની સ્પર્ધા બાદ મહીસાગરની વિજેતા ટીમને નાટ્યલેખન, વૈજ્ઞાનિક તથ્યોની સચોટ રજૂઆત, અભિનય અને સ્ટેજ પ્રેઝન્ટેશન અંગે નિષ્ણાત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે તૈયારી શરૂ

હવે મહીસાગરની ટીમ 6 જાન્યુઆરી, 2027ના રોજ કોલકાતાની સાયન્સ સિટી ખાતે યોજાનારી નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ 2026-27ની ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેશે. આ સ્પર્ધા માટે પણ GUJCOST દ્વારા નિયુક્ત મેન્ટર વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને જરૂરી સહયોગ પૂરો પાડશે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ પી. ભારતી (IAS)ના વડપણ હેઠળ તેમજ GUJCOSTના ડિરેક્ટર જનરલ દિગ્વિજયસિંહ જાડેજા (IAS)ના નેતૃત્વમાં સંસ્થા રાજ્યના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેક્નોલોજી સાથે જોડવા માટે કાર્યરત છે. નાટક જેવા લોકપ્રિય માધ્યમ દ્વારા અંધશ્રદ્ધા દૂર કરવા અને નવી પેઢીમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાના હેતુથી કરવામાં આવતી આ પહેલ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.

આ પણ વાંચો: Aravalli News: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાનો ભિલોડા પ્રવાસનો બીજો દિવસ, વિકાસકાર્યોની સમીક્ષા કરી