Kutch News : ભુજના સુખપરની સીમમાં 110 ફૂટ ઊંડા કૂવામાંથી યુવકનો મળ્યો મૃતદેહ, ક્રેનની મદદથી હાથ ધરાયું રેસ્ક્યૂ ઓપરેશન

Kutch News : કચ્છના ભુજ નજીક સુખપર ગામની સીમમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા આશરે 110 ફૂટ ઊંડા કૂવામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
Vivek Shah
Vivek Shah
Kutch News ઊંડા કૂવામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યોKutch News ઊંડા કૂવામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો

Kutch News ઊંડા કૂવામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો

Kutch News : ઘટનાની જાણ થતાં ભુજ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સુખપર ગામની સીમમાં આવેલા ઊંડા કૂવામાં યુવકની લાશ હોવાની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ત્યારબાદ ભુજ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ કૂવો આશરે 110 ફૂટ ઊંડો હતો અને તેમાં અંદાજે 17 ફૂટ જેટલું પાણી ભરેલું હતું.

ફાયર ટીમને રેસ્ક્યૂ ઓપરેશનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

કૂવાની ઊંડાઈ અને પાણીની હાજરીને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે કામગીરી અટકાવવામાં આવી હતી અને બીજા દિવસે સવારે ફરીથી રેસ્ક્યૂ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સવારે ફાયર બ્રિગેડની ટીમે ક્રેનની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. ક્રેનની મદદથી બે ફાયરમેનને કૂવામાં ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ કૂવામાં રહેલા મૃતદેહ સુધી પહોંચીને તેને દોરડાની મદદથી સુરક્ષિત રીતે બાંધવામાં આવ્યો હતો. લાંબી અને મુશ્કેલ કામગીરી બાદ મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

મૃતદેહની ઓળખ ભરત કોલી તરીકે થઈ

બહાર કાઢવામાં આવેલા મૃતદેહની ઓળખ ભરત કોલી તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. તેઓ સુખપર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. બીજી તરફ, ઘટનાની જાણ થતાં માનકુવા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. યુવક કયા સંજોગોમાં કૂવામાં પડ્યો હતો અને આ ઘટના પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે હાલ સ્પષ્ટતા થઈ નથી.

યુવકનું મોત અકસ્માતે થયું છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. પોલીસ તપાસ અને આગળની કાયદેસરની કાર્યવાહી બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત સામે આવશે.

આ પણ વાંચો : Gandhinagar News : બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ ગુજરાતમાં જનજાતિય ગૌરવ સપ્તાહની ઉજવણી કરાશે, 86 સ્થળે યોજાશે કાર્યક્રમો