Gandhinagar News : બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ ગુજરાતમાં જનજાતિય ગૌરવ સપ્તાહની ઉજવણી કરાશે, 86 સ્થળે યોજાશે કાર્યક્રમો


Gandhinagar News ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ ઉજવાશે
Gandhinagar News : બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ ગુજરાતમાં જનજાતિય ગૌરવ સપ્તાહની ઉજવણી કરાશે, 86 સ્થળે યોજાશે કાર્યક્રમો


Gandhinagar News ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ ઉજવાશે
Gandhinagar News : આગામી 12થી 18 નવેમ્બર, 2026 દરમિયાન આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ગાંધીનગરમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સહિત રાજ્યના મંત્રીઓ અને ભાજપ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસાવાએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.
પત્રકાર પરિષદમાં રાજ્ય મંત્રી પી.સી. બરંડા, રાજ્ય મંત્રી ડૉ. જયરામ ગામીત, રાજ્ય મંત્રી રમેશ કટારા અને ભાજપ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપત વસવા ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનનો મુખ્ય હેતુ આદિવાસી સમાજના ગૌરવ, સંસ્કૃતિ, સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન અને વિકાસને ઉજાગર કરવાનો છે.
જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાશે
15 નવેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છોટાઉદેપુરમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ પરંપરાગત વાજિંત્રો, વસ્ત્રો અને આદિવાસી નૃત્યો સાથે શોભાયાત્રા યોજાશે. રાજ્યભરમાં 15 નવેમ્બરના રોજ કુલ 86 સ્થળોએ કાર્યક્રમો યોજાશે.
જેમાં 14 આદિજાતિ જિલ્લાના 55 વિધાનસભા વિસ્તારોમાં 49 કાર્યક્રમો, 20 બિનઆદિજાતિ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ 20 કાર્યક્રમો અને 17 મહાનગરપાલિકાઓમાં 17 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જાહેરસભાઓ દરમિયાન વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત વન અધિકાર પત્રોનું વિતરણ, લાભાર્થીઓને સહાય, આદિજાતિ સમાજની વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન અને નવી યોજનાઓની જાહેરાત પણ કરવામાં આવશે.
જનજાતિય ગૌરવ સપ્તાહ દરમિયાન દરરોજ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે
13 નવેમ્બરે 55 વિધાનસભા વિસ્તારોમાં યુવા સભાઓ યોજીને 500 યુવાનો સાથે સંવાદ કરવામાં આવશે. 14 નવેમ્બરે પ્રતિમા સ્વચ્છતા અભિયાન, સાધુ-સંતોનું સન્માન, ગ્રામ પંચાયત કક્ષાના કાર્યક્રમો અને સાંજે દીપોત્સવ યોજાશે. 15 નવેમ્બરે મુખ્ય જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી થશે. 16 નવેમ્બરે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન, 17 નવેમ્બરે પરંપરાગત ગ્રામીણ રમતોત્સવ અને 18 નવેમ્બરે 55 આદિજાતિ વિધાનસભા વિસ્તારોમાં મહિલા સભાઓ યોજીને 500 મહિલાઓ સાથે સંવાદ કરાશે.
આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ માત્ર 25 વર્ષની ઉંમરે અંગ્રેજો સામે લડત આપી હતી અને અનેક ક્રાંતિકારીઓ તેમની સાથે જોડાયા હતા. નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારના આદિવાસીઓના પ્રશ્નો અંગે પણ તેમણે વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, વિવાદિત 13 ગામોમાં પણ 138 વન અધિકાર પત્રો આપવામાં આવશે.




