Mundra Port : કચ્છમાં DRI નું સિક્રેટ ઓપરેશન પાર, સિગારેટ દાણચોરીનું મોટું નેટવર્ક ઝડપાયું

Mundra Port : કચ્છના મુન્દ્રા પોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા હાથ ધરવામાં આવેલા સિક્રેટ ઓપરેશનમાં વિદેશી સિગારેટની દાણચોરીનો પ્રયાસ સામે આવ્યો છે.
Vivek Shah
Vivek Shah
Mundra Port મુન્દ્રા પોર્ટ પર દાણચોરીનું કૌભાંડ ઝડપાયુંMundra Port મુન્દ્રા પોર્ટ પર દાણચોરીનું કૌભાંડ ઝડપાયું

Mundra Port મુન્દ્રા પોર્ટ પર દાણચોરીનું કૌભાંડ ઝડપાયું

Mundra Port : DRIની ટીમે બાતમીના આધારે 18 શંકાસ્પદ કન્ટેનરો અટકાવી તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન ત્રણ કન્ટેનરમાંથી કરોડો રૂપિયાની કિંમતની ઇમ્પોર્ટેડ સિગારેટ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે દાણચોરીના નેટવર્કની આશંકા વચ્ચે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે.

પ્રાથમિક વિગતો મુજબ, મુન્દ્રા પોર્ટ પરથી દિલ્હી તરફ મોકલવામાં આવી રહેલા કન્ટેનરોને DRIની ટીમે અટકાવ્યાં હતાં. ત્યારબાદ શંકાસ્પદ જણાયેલા કુલ 18 કન્ટેનરોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણ કન્ટેનરમાં વિદેશી સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ સિગારેટની કિંમત કરોડો રૂપિયામાં હોવાનું જાણવા મળ્યું છે. જોકે, જપ્ત કરાયેલા સિગારેટના ચોક્કસ જથ્થા અને તેની સત્તાવાર કિંમત અંગેની વિગતવાર માહિતી હજુ સામે આવી નથી.

DRI એ ગુનો નોંધી તપાસ કરી શરૂ

આ કાર્યવાહીથી સિગારેટની દાણચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ, આ સમગ્ર મામલા પાછળ મોટું નેટવર્ક સક્રિય હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સિગારેટ ઉપરાંત સોપારીની પણ દાણચોરી થતી હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે આયાતકારો અને કસ્ટમ એજન્ટોની ભૂમિકા પણ તપાસના દાયરામાં હોવાનું જાણવા મળ્યું છે. DRIની ટીમે આ કેસમાં અમદાવાદ અને દિલ્હીના બે શખ્સોની અટકાયત કરી છે.

બંનેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેમની પાસેથી મળતી માહિતીના આધારે દાણચોરીના સમગ્ર નેટવર્ક, કન્ટેનરોની હેરફેર અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

શંકાસ્પદ કન્ટેનરોની તપાસ ચાલુ

હાલમાં બાકીના શંકાસ્પદ કન્ટેનરોની તપાસ ચાલુ છે. તપાસ દરમિયાન અન્ય કન્ટેનરોમાંથી પણ કોઈ શંકાસ્પદ સામગ્રી મળી આવે છે કે કેમ તે અંગે નજર રાખવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ દાણચોરીના જથ્થા, તેની કિંમત અને આ સમગ્ર પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો અંગે વધુ વિગતો સામે આવી શકે છે. મુન્દ્રા પોર્ટ દેશના મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર કેન્દ્રોમાંનું એક છે. અહીંથી આયાત-નિકાસ થતી માલસામગ્રીની તપાસ દરમિયાન DRIની આ કાર્યવાહી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે DRI દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Vadodara Accident : વડોદરાના દંતેશ્વર તળાવ પાસે કારચાલકનો કહેર, લારી-ગલ્લાઓને ટક્કર મારતાં ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત