Kutch News: ખાણ-ખનિજ વિભાગનો મોટો સપાટો! રોયલ્ટી પાસ કરતાં વધુ માટીનું વહન કરતા 6 વાહન ઝડપાયા


ખાણ ખનિજ વિભાગનો મોટો સપાટો
Kutch News: ખાણ-ખનિજ વિભાગનો મોટો સપાટો! રોયલ્ટી પાસ કરતાં વધુ માટીનું વહન કરતા 6 વાહન ઝડપાયા


ખાણ ખનિજ વિભાગનો મોટો સપાટો
Kutch News: કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનિજ વહન સામે ખાણ-ખનિજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. રેલડી મોટી વિસ્તારમાં વિભાગની ટીમે દરોડા પાડી રોયલ્ટી પાસમાં દર્શાવેલી મંજૂર મર્યાદા કરતાં વધુ સાદી માટીનું વહન કરતા છ વાહનો ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન વાહનો સહિત અંદાજે રૂપિયા 1.50 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ગેરરીતિને ગંભીરતાથી લઈને વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી
મળતી માહિતી અનુસાર, કચ્છના રેલડી મોટી વિસ્તારમાં ખાણ-ખનિજ વિભાગની ટીમ દ્વારા ખનિજ વહન કરતા વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક વાહનોમાં રોયલ્ટી પાસમાં દર્શાવેલી માત્રા કરતાં વધુ સાદી માટીનું વહન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. આ ગેરરીતિને ગંભીરતાથી લઈને વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ કામગીરી દરમિયાન કુલ છ વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા. વાહનોમાં વહન કરવામાં આવતી સાદી માટી અને તેની સાથે સંકળાયેલા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં રોયલ્ટી પાસ કરતાં વધુ જથ્થામાં ખનિજ વહન થતું હોવાનું જણાતાં તમામ વાહનો કબજે કરવામાં આવ્યા હતા.
1.50 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો
ખાણ-ખનિજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા છ વાહનોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સિઝ કરવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજે રૂપિયા 1.50 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગેરકાયદે ખનન અને ખનિજની હેરાફેરી અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. રોયલ્ટી પાસના નિયમોનું ઉલ્લંઘન કરીને ખનિજનું વહન કરનારાઓ સામે વિભાગે કડક વલણ અપનાવ્યું છે. ખાણ-ખનિજ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદે ખનન અને ખનિજ વહન સામે આગામી દિવસોમાં પણ તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. કચ્છમાં થયેલી આ મોટી કાર્યવાહીને પગલે ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.




