Kutch Kunariya Village: કચ્છનું કુનરિયા ગામ બન્યું વિકાસનું મોડેલ, 1.50 લાખ વૃક્ષોનું વાવેતર કરી ઊભી કરી અનોખી ઓળખ

Kutch Kunariya Village: કચ્છના ભુજ તાલુકાનું કુનરિયા ગામ આજે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે.
Nisha Parmar
Nisha Parmar
Kutch Kunariya village model panchayat tree plantation કુનરિયાKutch Kunariya village model panchayat tree plantation કુનરિયા

Kutch Kunariya village model panchayat tree plantation કુનરિયા

Kutch Kunariya Village: કચ્છના ભુજ તાલુકાનું કુનરિયા ગામ આજે વિકાસના વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. આરોગ્ય, શિક્ષણ, ખેતી, પશુપાલન, રોજગારી અને પર્યાવરણ સહિતના ક્ષેત્રોમાં ગ્રામ પંચાયત દ્વારા અનેક નવતર પહેલ કરવામાં આવી છે. ગામની સરકારી શાળામાં ખાનગી શાળા જેવું વાતાવરણ, બાલિકા પંચાયતની સ્થાપના અને મોટા પાયે વૃક્ષારોપણ જેવી કામગીરીના કારણે કુનરિયા ગામ વિકાસના મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. ગામની કામગીરીની નોંધ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પણ લેવામાં આવી છે અને ગ્રામ પંચાયતને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

સરકારી શાળામાં ખાનગી શાળા જેવું વાતાવરણ ઊભું કર્યું

કુનરિયા ગામમાં શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. ગામની સરકારી શાળામાં ખાનગી શાળા જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ અને શૈક્ષણિક વાતાવરણના કારણે મોટી સંખ્યામાં બાળકો ખાનગી શાળાને બદલે સરકારી શાળામાં અભ્યાસ કરવાનું પસંદ કરી રહ્યાં છે. આ પહેલથી ગામમાં સરકારી શિક્ષણને પ્રોત્સાહન મળ્યું છે.

50 લાખ વૃક્ષોનું વાવેતર કરી ગામને હરિયાળું બનાવ્યું

પર્યાવરણ સંરક્ષણને પ્રાથમિકતા આપતાં કુનરિયા ગામમાં ગ્રામજનોના સહયોગથી અલગ-અલગ સ્થળોએ મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આશરે 1.50 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેના કારણે ગામ હરિયાળું બન્યું છે. આ ઉપરાંત ખેડૂતોને રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે અળસિયાનું ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટ બનાવવા માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સમયાંતરે સેમિનાર યોજીને ખેડૂતોને આધુનિક ખેતી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

બાલિકા પંચાયત દ્વારા દીકરીઓને નેતૃત્વની તક

કુનરિયા ગામની મહત્વની પહેલોમાં બાલિકા પંચાયતનો પણ સમાવેશ થાય છે. કુનરિયા દેશનાં પ્રથમ ગામોમાં સામેલ છે, જ્યાં બાલિકા પંચાયતની સ્થાપના કરવામાં આવી છે. બાલિકા પંચાયત ગામની મુખ્ય પંચાયત સાથે મળીને વિકાસની કામગીરીમાં ભાગીદારી નોંધાવે છે. આ પહેલનો હેતુ દીકરીઓમાં નેતૃત્વની ભાવના વિકસાવવાનો અને ગામના નિર્ણયોમાં તેમની ભાગીદારી વધારવાનો છે.

ગામમાં આધુનિક સુવિધાઓનો વિકાસ

કુનરિયા ગામમાં નાગરિકોની સુવિધા માટે રોડ-રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ અને CCTV કેમેરા સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આરોગ્ય, પશુપાલન અને રોજગારી જેવા ક્ષેત્રોમાં પણ ગ્રામ પંચાયત દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ગામના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને અલગ-અલગ ક્ષેત્રોમાં નવી પહેલ કરવામાં આવી રહી છે.

ઓપન સામાન્ય સભા દ્વારા ગ્રામજનોની ભાગીદારી

ગામના વિકાસમાં લોકોની સીધી ભાગીદારી વધે તે માટે ગ્રામ પંચાયત દ્વારા ઓપન સામાન્ય સભાનું આયોજન કરવામાં આવે છે. આ સભામાં ગ્રામજનો પાસેથી ગામની જરૂરિયાતો, સમસ્યાઓ અને વિકાસલક્ષી સૂચનો મેળવવામાં આવે છે. આ ઉપરાંત ગામમાં સ્વચ્છતા જાળવવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

વિકાસ મોડેલની રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નોંધ

શિક્ષણ, પર્યાવરણ, ખેતી, બાલિકા પંચાયત અને ગ્રામજનોની ભાગીદારી જેવા વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલી કામગીરીના કારણે કુનરિયા ગામે આદર્શ ગામ તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે. ગામના આ વિકાસ મોડેલની નોંધ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પણ લેવામાં આવી છે. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ કુનરિયા ગ્રામ પંચાયતને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો : Kutch Accident News: કચ્છના હાજીપીર રોડ પર ગમખ્વાર અકસ્માત, ડમ્પરની અડફેટે એક્ટિવા સવાર બે શિક્ષિકાનાં મોત